________________
સમ્યક્ત્વનાં છટ્ઠા સ્થાનનું વર્ણન
૨૬૧
અથવા કાયકષ્ટ સહન નહીં કરો અને તપજપ નહીં કરો તો પણ સર્વજ્ઞ જ્ઞાની ભગવંતોએ જેટલા ભવ જોયા હશે તેના તેટલા જ ભવ થશે પછી ધર્મ કરવાની કે તપજપ કરવાની અને તેના દ્વારા કાયાને કષ્ટ આપવાની શી જરૂર છે ? એટલે ઉપાયો સેવવાની કંઈ જ જરૂર નથી.
જે કષ્ટ સહન કરશે તેના અને જે કષ્ટ સહન નહીં કરે તેના પણ ભવો જ્ઞાનીએ જેટલા દીઠા છે તેટલા જ થવાના છે. તેનાથી અધિક કે ઓછા થવાના નથી. માટે આ તપની કે સંયમની કે ધર્મક્રિયા કરવાની કંઈ જ જરૂર નથી. તેનાથી વેલાસર મોક્ષ થતો નથી તે ધર્મક્રિયા મોક્ષનું કારણ નથી, પણ આ ધર્મક્રિયાઓ માત્ર લોકરંજન કરવા માટે જ જીવો વડે કરાય છે (આમ પ્રશ્નકાર કહે છે).
જ્ઞાની ભગવંતોએ આપણા જેના જેટલા ભવો જોયા છે તેના તેટલા જ ભવ થવાના છે. પરંતુ તપ, સંયમ અને ધર્મક્રિયા કરવાથી ભવો કંઈ ઓછા થઈ શકતા નથી. આ જ વાતની પુષ્ટિ પરમપૂજ્ય શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજીએ બનાવેલી નિયતિદ્વાત્રિંશિકામાં તેઓએ કહ્યું છે કે - જિનેશ્વર ભગવંતોને તમારા ભવોનું થયેલું જ્ઞાન જો યથાર્થ હોય તો તેઓએ જોયેલા ભવપ્રમાણે તે ભવે તે તે જીવનો નિયમા મોક્ષ થવાનો જ છે. તો પછી તપ-જપ-સંયમ-સાધના આદિ કરવાની અને કાયાને કષ્ટ આપવાની શી જરૂર છે ? હવે જો જિનેશ્વરોનું જ્ઞાન પણ સર્વથા યથાર્થ નથી. પરંતુ અમુક અપેક્ષાએ જ યથાર્થ છે અને અમુક અપેક્ષાએ અયથાર્થ પણ છે. આમ જો કહેશો તો પણ અમે જ જિત્યા. કારણ કે કેવલી ભગવંતે કહેલી ‘જ્ઞાનાદિ ગુણોની સાધના દ્વારા મોક્ષ થાય છે’ આ વાત પણ અયથાર્થ (અપ્રમાણ) જ થઈ જશે અને આમ જો હોય તો કેવલીભગવંતના વચનનો આધાર લઈને પુરુષાર્થની સ્થાપના કરનારા તમે કોણ ? તમારી વાત કેમ સાચી મનાય ?