________________
સમ્યક્ત્વનાં છટ્ઠા સ્થાનનું વર્ણન
૨૫૧
કરો તો પણ મોક્ષ જ્યારે મળવાનો હશે ત્યારે જ મળશે. તેના કોઈ ઉપાયો છે જ નહીં અને ઉપાય અપનાવવા દ્વારા મોક્ષ મળતો નથી.
આ જીવ ગમે તેટલો પ્રયત્ન કરે તો પણ જે થવાનું નથી તે થતું નથી અને જે થવાનું જ છે તે હજારો પ્રયત્ન કરવા છતાં રોકાતું નથી પણ થાય જ છે. માટે નિયતિ જ બળવાન છે જે થવાનું જ છે તેને કોઈ રોકી શકતું નથી અને જે નથી થવાનું તેને કોઈ કરી શકતું નથી. માટે મોક્ષપ્રાપ્તિના કોઈ ઉપાયો છે જ નહીં માત્ર નિયતિથી જ થાય છે જેમ આકાશમાં વાદળ અને વરસાદ આપણો ધાર્યો કે કર્યો થતો નથી. દુકાળ પડવાનો હોય તો દુકાળ પડે જ છે અને વધુ વરસાદ થવાનો હોય તો તેને કોઈ રોકી શકતું નથી. તે વધારે વરસાદ થાય જ છે તેમ અહીં પણ સમજવું.
શાસ્ત્રોમાં કહ્યું છે કે મનુષ્યને નિયતિના બળે શુભ અથવા અશુભ જે વસ્તુ પ્રાપ્ત થવાની છે તે અવશ્ય પ્રાપ્ત થાય જ છે. પ્રાણીઓ વધારે પ્રયત્ન કરે તો પણ જે બનવાનું ન હોય તે નથી જ બનતું અને જે બનવાનું હોય છે તે બનતું કોઈ અટકાવી શકતું નથી. માટે નિયતિ જ બળવાન છે. તેથી મોક્ષ જ્યારે જેને મળવાનો છે ત્યારે તેને મળે જ છે. તેના ઉપાયો કોઈ છે જ નહીં કે જેના સેવનથી મુક્તિ વહેલાસર મળે. વહેલાસર આવું કાર્ય બનતું નથી. I૯૮॥
અવતરણ :
મોક્ષના ઉપાયો કરવા છતાં જ્યારે મોક્ષ થવાનો હોય ત્યારે જ થાય છે અને કોઈને મોટા ઉપાયો અપનાવ્યા વિના જ મરૂદેવા માતાની જેમ મોક્ષ થઈ જાય છે. અને કોઈકને ઘણા પ્રયત્નો કરવા છતાં તામલી તાપસની જેમ તુરત મોક્ષ મળતો નથી. માટે મોક્ષના કોઈ ઉપાયો નથી. નિયતિ જ બળવાન છે આવું કોઈક પ્રશ્નકાર કહે છે