________________
સમ્યક્તનાં પાંચમા સ્થાનનું વર્ણન
૨૩૧ અનંતાનંતની સંખ્યા નાની થાય છે. તો પણ તે અનંતાનંત રૂપ જ રહે છે. આ સંસાર ખાલી તો થતો જ નથી. પણ અનંતાનંતની સંખ્યામાં જ રહે છે. માત્ર પૂર્વકાલ કરતાં કંઈક અંશે જીવો ઓછા થાય છે.
જેમ સમુદ્ર એટલા બધા પાણીથી ભરેલો છે કે તેમાંથી એક-બેપાંચ ઘડા પાણી લઈ લો તો કંઈ સમુદ્ર ખાલી થતો નથી. તેમ આ સંસાર અપરિમિત એવા અનંતાનંત જીવોથી ભરેલો છે. તેમાંથી દરરોજ જીવો મોક્ષે જાય તો પણ કાળના અનંતપણા કરતાં સંસારી જીવોનું અનંતપણું ઘણું મોટું હોવાથી આ સંસાર ક્યારેય ખાલી થતો નથી. એટલે મોક્ષના જીવો પણ અનંત છે. દરેક કાળે મહાવિદેહ આદિ ક્ષેત્રોમાંથી મોક્ષે પણ જવાય છે તો પણ આ સંસાર સંસારી જીવોથી ક્યારેય ખાલી થતો નથી. એટલું જ નહીં પણ અનંતાનંત જીવોથી ભરેલો જ રહે છે.
પરંતુ જે વાદીઓ આ સંસારમાં સંસારી જીવો પરિમિત છે આમ માને છે. અર્થાત અનંત છે પરંતુ પરિમિત અનંત છે આમ માને છે. તેમના મતે અનાદિકાળથી મોક્ષે જવાનું ચાલુ હોવાથી કાંતો સંસાર ખાલી થવાની આપત્તિ આવે છે. અથવા તો સાધના કરીને મોક્ષે જવા છતાં કુવાના અરઘટ્ટની જેમ પાછા ફરીથી તે જીવો આ સંસારમાં આવે જ છે. આમ માનવું જ પડે. અને જો આમ માને તો જ આ સંસાર અક્ષત (અખંડિત) છે. આ વાત સિદ્ધ થાય. પરંતુ ઉપરની બને વાત જરા પણ યુક્તિસંગત નથી. સંસાર ખાલી થઈ જાય કે મોક્ષે ગયા પછી સંસારમાં ફરીથી પાછા આવે આ બન્ને વાત યુક્તિયુક્ત નથી.
તેથી આ સંસારમાં સંસારી જીવો જ અનંતાનંત અને અપરિમિત જ છે આમ જ માનવું ઉચિત છે. એટલું જ નહીં પણ આ જ વાત સંપૂર્ણ સત્ય છે અને સર્વજ્ઞભાષિત છે. I૯૧|