________________
૧૪૭
સમ્યક્તનાં ચોથા સ્થાનનું વર્ણન
વિવેચન :- ચેતનના પર્યાયરૂપે થતું જે કર્મ એટલે કે ચેતન એવા જીવમાં જે રાગ-દ્વેષ-વિકાર-વાસનાદિ રૂપ ભાવો થાય છે તે ભાવકર્મ કહેવાય છે તે રાગદ્વેષાદિ રૂપ ભાવકર્મનું નિમિત્ત પામીને આત્માને જે કાર્મણવર્ગણા ચોંટે છે. તે કાર્મણવર્ગણા જ્ઞાનાવરણીયાદિ રૂપે પરિણામ પામે છે તેને દ્રવ્યકર્મ કહેવાય છે. જેમ શરીર ઉપર જે તેલ લગાડેલું છે તેનું નિમિત્ત પામીને જે રજ શરીર ઉપર ચોંટે છે તે મેલ બને છે તેમ આત્મામાં થયેલા રાગ-દ્વેષાદિ ભાવકર્મનું નિમિત્ત પામીને જે કાર્મણવર્ગણા ચોંટે છે અને જ્ઞાનાવરણીયાદિ રૂપે પરિણામ પામે છે તે દ્રવ્યકર્મ કહેવાય છે આમ વ્યવહારનય પામે છે.
દ્રવ્યકર્મનો કર્તા જીવ છે આમ વ્યવહારનય માને છે. કારણ કે ભાવકર્મથી આવેલા દ્રવ્યકર્મનો કર્તા પરંપરાસંબંધે જીવ થાય છે. અનંતરસંબંધે તો જીવ રાગ-દ્વેષાદિ ભાવકર્મનો જ કર્તા છે પરંતુ રાગદ્વેષાદિથી બંધાનારાં દ્રવ્યકર્મનો કર્તા પણ આ જીવ છે તે પરંપરાસંબંધ થયો. આ પ્રમાણે વ્યવહારનય કહે છે. જીવ ભાવકર્મનો જે કર્તા છે તે અનંતરસંબંધથી અને ભાવકર્મથી બંધાનારાં દ્રવ્યકર્મનો જીવ જે કર્તા છે તે પરંપરાસંબંધથી કર્તા છે આમ વ્યવહારનયનું કહેવું છે.
નિશ્ચયનય એમ માને છે કે કર્મપુગલોનું નિમિત્ત પામીને આ જીવ પોતાના રાગ-દ્વેષાદિ પરિણામોનો જ કર્તા છે અર્થાત્ પોતાનામાં થતા રાગ-દ્વેષ આદિ ભાવકર્મનો જ કર્તા જીવ છે આમ નિશ્ચયનય માને છે. કાશ્મણવર્ગણાનું જ્ઞાનાવરણીયાદિ રૂપે જે પરિણમન થાય છે તે પરદ્રવ્ય હોવાથી તેનું કર્તુત્વ જીવમાં નથી. જીવ કાર્મણવર્ગણાને કર્મરૂપે પરિણામ પમાડવા સમર્થ નથી. એટલે નિશ્ચયનયની માન્યતા પ્રમાણે જીવ રાગદ્વેષાદિ ભાવકર્મનો કર્તા છે, પરંતુ દ્રવ્યકર્મનો કર્તા નથી. કારણ કે દ્રવ્યકર્મ કાર્મણવર્ગણાનો એટલે પરદ્રવ્યનો પરિણામ છે. માટે તેમનો કર્તા જીવ ન હોઈ શકે.