________________
श्रीसिद्धाचलमण्डन श्री ऋषभदेवस्वामिने नमः । श्रीशंखेश्वरपार्श्वनाथाय नमः । श्रीमहावीरस्वामिने नमः । अनन्तलब्धिनिधानाय श्रीगौतमस्वामिने नमः । आचार्यमहाराजश्रीमद्विजयसिद्धिसूरीश्वरजीपादपद्मेभ्यो नमः । आचार्यदेवश्रीमद्विजयमेघसूरीश्वरजीपादपद्मेभ्यो नमः । सद्गुरुदेवमुनिराज श्री भुवनविजयजीपादपद्मेभ्यो नमः ।
જિનઆગમ જયકારા (પ્રસ્તાવના)
અનંત ઉપકારી પરમ કૃપાળુ અરિહંત પરમાત્મા તથા પરમ ઉપકારી પરમપૂજ્ય પિતાશ્રી તથા સદ્ગુરુદેવ મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજની પરમ કૃપાથી શીલાચાર્ય (પ્રસિદ્ધ નામ શીલાંકાચાર્ય) વિરચિત વૃત્તિ સહિત શ્રી આચારાંગસૂત્રના પ્રથમશ્રુતસ્કંધના પ્રથમ ચાર અધ્યયનોને આગમપ્રેમી જગત સમક્ષ રજૂ કરતાં આજે અમને ઘણો ઘણો ઘણો આનંદ થાય છે.
પૂ. આગમપ્રભાકર પુણ્યનામધેય મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજ પાસે રહીને જેમણે ઘણાં ઘણાં વર્ષો સુધી સંશોધન-સંપાદન પદ્ધતિનો અનુભવ કર્યો હતો તથા પૂ. પુણ્યવિજયજી મહારાજના સંશોધન આદિ કાર્યમાં જે ઘણા ઘણા ઉપયોગી થતા હતા તે પંડિત અમૃતલાલ મોહનલાલ ગિરધરલાલ ભોજક કે જે પાટણમાં તા. ૩૦-૧૧-૧૯૧૪ (વિક્રમ સં. ૧૯૭૧ માગશર સુદ ૧૩) સોમવારે જન્મેલા અને પાટણના વતની છે તથા જે હમણાં અમદાવાદમાં સ્થાયી થયા છે તેમણે આચારાંગસૂત્રના પ્રથમશ્રુતસ્કંધના પ્રથમ ચાર અધ્યયનોની શીલાચાર્ય (પ્રસિદ્ધનામ શીલાંકાચાર્ય) વિરચિત વૃત્તિના પ્રથમ ચાર અધ્યયન સુધીના ભાગની અનેક અનેક હસ્તલિખિત આદર્શોને આધારે સંશોધન કરીને તૈયાર કરેલી પાંડુલિપિ (પ્રેસકોપી) અમારા હાથમાં આવી તેના આધારે આ ગ્રંથનું સંપાદન અમે કર્યું છે.