________________
આત્મસિદ્ધિશાસ્ત્ર
૧૭૧ અનુભવથી પણ આત્માના અક્ષણિકપણાનો નિશ્ચય કર. (૬૯)
ભાવાર્થ- સર્વ પદાર્થ ક્ષણિક છે. સમયે સમયે નાશ પામતા છે. એમ માનનાર પોતે ક્ષણિક છે, તો તે જાણીને કહેનારો રહે નહીં. જાણ્યું તે સાથે પોતે નાશ પામ્યો પછી કહે કોણ ? જો કહેનારો બાકી રહ્યો તો તે ક્ષણિક=ક્ષણ રહેનારો હોઈ શકે નહીં. આ વાતનો આત્મામાં વિચાર કરી જોશો તો સ્પષ્ટ નિર્ણય થશે કે આત્મા ક્ષણિક તો નથી. (૬૯).
ક્યારે કોઈ વસ્તુનો, કેવળ હોય ન નાશ; ચેતન પામે નાશ તો, કેમાં ભળે તપાસ. ૭૦. અર્થ - વળી કોઈ પણ વસ્તુનો કોઈ પણ કાળે કેવળ તો નાશ થાય જ નહીં, માત્ર અવસ્થાંતર થાય, માટે ચેતનનો પણ કેવળ નાશ થાય નહીં. અને અવસ્થાંતરરૂપ નાશ થતો હોય તો તે કેમાં ભળે, અથવા કેવા પ્રકારનું અવસ્થાંતર પામે તે તપાસ. અર્થાત્ ઘટાદિ પદાર્થ ફૂટી જાય છે, એટલે લોકો એમ કહે છે કે ઘડો નાશ પામ્યો છે, કંઈ માટીપણું નાશ પામ્યું નથી. તે છિન્ન ભિન્ન થઈ જઈ સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૂકો થાય, તોપણ પરમાણુ સમૂહરૂપે રહે, પણ કેવળ નાશ ન થાય; અને તેમાંનું એક પરમાણુ પણ ઘટે નહીં, કેમકે અનુભવથી જોતાં અવસ્થાંતર થઈ શકે, પણ પદાર્થનો સમૂળગો નાશ થાય એમ ભાસી જ શકવા યોગ્ય નથી; એટલે જો તું ચેતનનો નાશ કહે, તોપણ કેવળ નાશ તો કહી જ શકાય નહીં; અવસ્થાંતરરૂપ નાશ કહેવાય. જેમ ઘટ ફૂટી જઈ ક્રમે કરી પરમાણુસમૂહરૂપે સ્થિતિમાં રહે, તેમ ચેતનનો અવસ્થાંતરરૂપ નાશ તારે કહેવો હોય તો તે શી સ્થિતિમાં રહે,