________________
૧૭૨
નિત્યનિયમાદિ પાઠ
અથવા ઘટના પરમાણુઓ જેમ પરમાણુસમૂહમાં ભળ્યા તેમ ચેતન કઈ વસ્તુમાં ભળવા યોગ્ય છે તે તપાસ; અર્થાત્ એ પ્રકારે તું અનુભવ કરી જોઈશ તો કોઈમાં નહીં ભળી શકવા યોગ્ય, અથવા પરસ્વરૂપે અવસ્થાંતર નહીં પામવા યોગ્ય એવું ચેતન એટલે આત્મા તને ભાસ્યમાન થશે. (૭૦)
ભાવાર્થ :— જગતમાં જેટલા મૂળ પદાર્થ છે તેમાંના કોઈનો ક્યારેય નાશ થતો નથી. હાલના વિજ્ઞાને પણ પુરવાર કર્યું છે કે જડ પદાર્થો વીખરાઈ જાય છે પણ તેમાંના પરમાણુઓનો નાશ નથી. તેવી રીતે આત્મા ચેતન પદાર્થ છે તે બીજા કશાયમાં મળી જઈને નાશ પામે એવો નથી. જો કોઈ બીજે ભળે એવો હોય તો વિચારી જો. (૭૦)
✩
(૩) શંકા-શિષ્ય ઉવાચ
કર્તા જીવ ન કર્મનો, કર્મ જ કર્તા કર્મ; અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવનો ધર્મ. ૭૧ અર્થ :— જીવ કર્મનો કર્તા નથી, કર્મના કર્તા કર્મ છે. અથવા અનાયાસે તે થયાં કરે છે. એમ નહીં, ને જીવ જ તેનો કર્તા છે એમ કહો તો પછી તે જીવનો ધર્મ જ છે, અર્થાત્ ધર્મ હોવાથી ક્યારેય નિવૃત્ત ન થાય. (૭૧)
ભાવાર્થ :— આત્મા નિત્ય છે એ સમજાયું. હવે દરેક દેહધારી જીવો જુદા જુદા પ્રકારના દેખાય છે અને જુદી જુદી રીતે સુખ દુઃખ પામે છે તેથી કર્મ હોવાં જોઈએ. પરંતુ તે કર્મને આત્મા કરે છે એ માની શકાતું નથી; તેથી શિષ્ય શંકા કરે છે.