________________
૫૮ ] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ શ્ર. ૪ અને પરલક્ષી કૃતિના સર્જક પાસે હેવા અનિવાર્ય સંવિધાનકૌશલ પ્રત્યે એમની રોમેન્ટિક કવિ-પ્રકૃતિએ એમને બેપરવા બનાવ્યા હેઈ, એમનાં નાટકમાં વસ્તુ આડીઅવળી લહેરાતી ધૂપની ધૂમ્રસેર જેવું પાંખું પાતળું અને ક્યારેક અધ્યાહત કે અ-સુગમ અંશેવાળું, પાત્ર ક્રિયાશીલ નહિ તેટલાં ઉદ્દગારશીલ અને વ્યક્તિ નહિ પણ જાતિ કે પ્રકાર (Type) જેવાં અને કાર્ય (action) ઝાઝું તથા ત્વરિત કે એકધારી સતતવાહી ગતિવાળું નહિ પણ સંવાદે ને ગીતાની ઝાડી વચ્ચે ધીમેથી ચાલતું મંથરગતિ હોય છે. જયા-જયન્તીને રંગભૂમિયોગ્ય બનાવવા ધાર્યું હતું એટલે તેમાં વસ્તુસંકલના પર સહેજ વધુ ધ્યાન અપાયું જણાય છે, અને પેલાં ઐતિહાસિક નાટકમાં તે કવિને ઈતિહાસે પૂરું પાડેલું વસ્તુ વાપરવાનું હતું. પણ અન્ય નાટકમાં સમગ્રપણે ઉપરકહ્યા જેવી સ્થિતિ છે. વસ્તુવિકાસ નાટકમાં સધાતું હોય તે સૂકમ નજરે જ જે શક્ય બને છે. પાત્રો વાસ્તવસૃષ્ટિમાં જોવા મળતાં જીવન્ત માનવીઓ કરતાં નાટકપ્રતિપાદ્ય ભાવનાને મિત્રભાવે ઉચ્ચારતાં કે શત્રુભાવે વખેડતાં તેનાં પ્રતિનિધિ કે વિરોધીઓ બની જાય છે. એમનાં પિશાક, ભાષા, વૈયક્તિક ખાસિયત વગેરેની પરિચાયક વિગતે પાનાં ભરીને આજના નાટક લેખકે આપતા હોય છે અને તેને સુસંગત વર્તન એમની પાસે કરાવતા હોય છે તેવું આ કવિનાં નાટકોમાં જોવા મળે જ નહિ. નૃત્યદાસી ને વામાચાર્ય દેહવાસના, વિલાસ અને વૈરાચારનાં પૂતળાં જેવાં ચીતરાય, તે જયા અને જયન્ત કામવિજય અને આત્મલગ્નની દુર્ગમ સિદ્ધિની શક્યતા બતાવતા માનવ-નમૂન બની જાય એવું પાત્રનિરૂપણ જેમ “જયા-જયન્તમાં તેમ કવિનાં ઘણાં નાટકમાં બતાવી શકાય. પાત્રે ઘણી વાર સાવ ઊજળાં, કાં પૂરાં કાળાં આ નાટકમાં કવિની કલમે આલેખાય છે. એમનાં મંથન, સંધર્ષ ઈ. (જેમ કે કાન્તિકુમારી, ઈન્દુકુમાર, જયા ને જયન્તનાં) તેમ જ એમનાં વિકાસ, પરિવર્તન વગેરે (નૃત્યદીસી, વિલાસ, અગ્નિરાજ આદિનાં) નથી દર્શાવાતાં એમ નથી, પણ મનોવૈજ્ઞાનિક ઝીણવટથી એને સુરેખ ક્રમ યોજી બતાવવાની કળા કવિ દેખાડતા નથી.
કવિ ન્હાનાલાલની આવી કૃતિઓમાં દેશકાળને અમુક પરિવેશવાળી સૃષ્ટિ જે ખડી થાય છે તે આ ભાવનાવિહારી અને કલ્પનાબળિયા આત્મરત મસ્ત પ્રકૃતિના કવિને ભાવલેક કે કાવ્યલોક જ કહેવાય એવું હોય છે. પાત્ર બનાવેલાં માનવીઓની લીલા સરોવર, વનઘટા, આમ્રકુંજ, ગિરિશિખરે, સાગર ઈની રમ્ય-ભવ્ય નિસર્ગશ્રીને ખોળે ખેલાતી બતાવવાનું કવિને ગમે છે. અમૃતપુર, પ્રેમેરિયું, રામેરિયું જેવાં ગામ, હિમાલયને ઉત્તુંગ પ્રદેશ, ગિરનારનાં શિખરે, ઝરણાં, ખડકે, ગુફાઓ, શેષાવન, આબુનાં ઘાટી, ખીણ, ઝાડી, નખી સરોવર,