________________
ફાગુસાહિત્ય : જૈન અને જૈનેત૨ ૨૯૩
નેમિનાથવિષયક ફાગુઓની સંખ્યા ઘણી છે; થોડાક પ્રાચીન આચાર્યો અને કેવલજ્ઞાનીઓ વિષે છે; કેટલાક તીર્થસ્થાનોના મહિમાના, ત્યાંનાં મંદિરોની પ્રતિષ્ઠાપ્રસંગની પ્રશસ્તિરૂપના, એમાં સ્થાપિત દેવની સ્તુતિના છે; તો થોડાક વિવિધ ગચ્છોના નામાંકિત આચાર્યો-સૂરીશ્વરોની તપશ્ચર્યા અને કામવિજયને વર્ણવતા છે.
આ ફાગુઓમાં દીક્ષા ધારણ કર્યા પછી પોતાની પૂર્વાશ્રમની પ્રેયસી કોશાને ત્યાં ગુરુના આદેશથી ચાતુર્માસ ગાળવાને આવેલા સાધુવર્ય સ્થૂલિભદ્ર વિષેના ઠીક ઠીક ફાગુઓ છે, અને વિવાહ માટે જઈ રહેલા નેમિનાથે પોતાના વિવાહોત્સવમાં ઉપસ્થિત સાજનને તૃપ્ત કરવાને વધેરવામાં આવના૨, વાડામાં પુરાયેલાં વધ્ય પ્રાણીઓનું આક્રંદ સાંભળીને ત્યાંથી જ પાછા વળીને ઊર્જયંતિિગર ઉ૫૨ જઈને સાંવત્સરિક દાન આપીને દીક્ષા લીધાના પ્રસંગના અનેક ફાગુઓ છે. તીર્થસ્થળોમાં સ્થાપના કરેલા દેવની પ્રશસ્તિના થોડાક ફાગુઓ છે (ઉ. ત. મેરુનંદનકૃત ‘જીરાપલ્લી પાર્શ્વનાથ ફાગુ' ઈ. ૧૩૭૬ (સં. ૧૪૩૨); પ્રસન્નચન્દ્રસૂરિકૃત રાવણિ પાર્શ્વનાથ ફાગુ' ઈ. ૧૩૬૬ (સં. ૧૪૨૨) આસપાસ; અજ્ઞાતકવિકૃત ‘રાણપુરમંડન ચર્તુમુખ આદિનાથ ફાગ’ ઈ.૧૫૦૧ (સં.૧૫૫૭) પહેલાં, ઇ.; તેમ સૂરીશ્વર-ગુરુઓની તપશ્વર્યા બિરદાવતા થોડાક ફાગુઓ છે. [ઉ.ત. આગમમાણિક્યકૃત ‘જિનહંસગુરુ નવરંગ ફાગ', વિ.સં. ૧૬મું શતક; ‘હેમરત્નસૂરિફાગુ’, વિ.સં. ૧૬મું શતક; ‘સુમતિસુંદરસૂરિ ફાગુ', ઈ. ૧૪૬૪ (સં.૧૫૨૦) આસપાસ; ‘અમરરત્નસૂરિક્ષગુ' ઈ. ૧૪૬૯ (સં. ૧૫૨૫) આસપાસ; ઇ. ]. ક્વચિત્ ભર્તૃહરિના વૈરાગ્યશતક'ની માફક નારીસૌન્દર્યનું વર્ણન કરી એની અસારતા દર્શાવી અવહેલના કરતા રત્નમંડનગણિકૃત નારીનિવાસ લગ’ જેવા ફાગુઓ પણ મળે છે. કેવળ સાંસારિક વિષયનું નિરૂપણ કરતા જૈન ફાગુઓ વિરલ છે. અહીં ક્રમશઃ, પ્રત્યેક પ્રકારના ફાગુઓ સાથે લઈને એમની આલોચના કરીએ.
સ્થૂલિભદ્રવિષયક ફાગુઓ
પ્રથમ સ્થૂલિભદ્રવિષયક ફાગુઓ લઈએ. સ્થૂલિભદ્ર જૈન ધર્મના ઇતિહાસમાં એક પ્રસિદ્ધ આચાર્ય થઈ ગયા. પૂર્વાશ્રમમાં એ પાટલિપુત્રના નંદરાજાના મંત્રી શકટાલના પુત્ર હતા. એમની અસાધારણ, કામદેવ જેવી સુંદર કાન્તિ હતી. પાટલિપુત્રની પ્રસિદ્ધ વારાંગના કોશાના પ્રેમમાં પડીને સતત બાર વર્ષ સુધી એના આવાસમાં રહ્યા હતા. શકટાલના મરણ પછી એમને પ્રધાનપદ આપવાને રાજા તત્પર થયો; પણ એમને હવે સંસારના રંગરાગ ઉ૫૨ તિરસ્કાર આવ્યો હતો અને મન વૈરાગ્યના રંગે પૂર્ણપણે રંગાયું હતું. એમણે સંભૂતિવિજય ગુરુ પાસે જઈને દીક્ષા લીધી. ગુરુના આદેશે તેઓ