________________
૪
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૧
વલભીમાં રહી. તેમની સત્તા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, અને પશ્ચિમ માળવા પર પ્રવર્તતી. ચૌલુક્ય (સોલંકી) રાજાઓના સમયમાં જાહોજલાલી દરમ્યાન તેમના રાજ્યમાં હાલના ગુજરાત ઉપરાંત રાજસ્થાનનાં સાંચોર, આબુ, ચંદ્રાવતી, કિરાડુ, નવૂલ, જાલોર, સાંભર, મેવાડ અને ભીલસા પ્રદેશનો સમાવેશ થતો. ગુજરાતની સલ્તનતના સમયમાં એમાં હાલના ગુજરાત ઉપરાંત જોધપુર, નાગોર, શિરોહી, ડુંગરપુર, વાંસવાડા, નંદરબાર, બાગલાણ, દંડરાજપુર(જંજીરા), મુંબઈ અને વસઈ પ્રદેશોનો પણ સમાવેશ થતો. મુઘલ શાસનકાળમાં ગુજરાત સૂબા પ્રાંત)માં ડુંગરપુર, વાંસવાડા, સૂથરેવાકાંઠા), શિરોહી, સુલેમાનગઢ(કચ્છ) અને રામનગર(ધરમપુર) જાગીરોનો સમાવેશ થતો. મરાઠાઓના શાસનકાળમાં તળ-ગુજરાતના ઘણા ભાગ તેમની સીધી સત્તા નીચે હતા ત્યારે બીજા થોડા ભાગ રજવાડાંઓની સત્તા નીચે રહ્યા. બ્રિટિશ શાસનકાળમાં અમદાવાદ, ખેડા, પંચમહાલ, સુરત અને ભરૂચ એ મુંબઈ ઇલાકાના ઉત્તર વિભાગના જિલ્લા બન્યા, જ્યારે રજવાડાંઓના સમૂહ જુદીજુદી એજન્સીઓમાં વહેંચાયા. ૧૯૪૭માં આઝાદી આવી ને રજવાડાંનું વિલીનીકરણ થતાં મુંબઈ રાજ્યના જિલ્લાઓમાં અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, વડોદરા અને ડાંગ જિલ્લા ઉમેરાયા; આગળ જતાં ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ અને કચ્છ જિલ્લા ઉમેરાયા. ૧૯૬૦માં મુંબઈ રાજ્યનું ભાષાકીય દ્વિભાગીકરણ થતાં ગુજરાતના આ બધા જિલ્લાઓનું ગુજરાત રાજ્ય તરીકે સંયોજન સધાયું. આમ ગુજરાતના વિસ્તારમાં અવારનવાર વધઘટ થતી રહી છે. હવે ‘ગુજરાત રાજ્યમાં ગુજરાતીભાષી પ્રદેશના ઘણાખરા ભાગોનું સંયોજન થયું છે, જ્યારે સીમા પરના કેટલાક ભાગ પડોશનાં રાજ્યોમાં મુકાયા છે.
પ્રાગૈતિહાસિક સંસ્કૃતિ પ્રાગૈતિહાસિક કાળનો માનવી નદીઓના કાંઠે ભમતો ને પથ્થર વગેરેનાં હથિયાર ઘડતો. પથ્થરનાં હથિયારોના અવશેષ સાબરમતી, મહી, નર્મદા, ઓરસંગ, કરજણ, પાર, અંબિકા, ભાદર, સૂકી, ભૂખી વગેરે નદીઓના કાંઠે મળ્યા છે. કંદમૂળ અને શિકાર વડે એ જીવનનિર્વાહ કરતો. ગુજરાતનો આદિમાનવ આફ્રિકાના પૂર્વ કિનારાથી આવ્યો લાગે છે. આ સંસ્કૃતિનો સમય આજથી ૫૦૦૦૦ થી ૧,૦૦,૦૦૦ વર્ષો પૂર્વેનો આંકવામાં આવ્યો છે.
સમય જતાં હવામાનમાં ને સાથોસાથ માનવનાં હથિયારોમાં ફેરફાર થતા ગયા. ધીમેધીમે એ એક ઠેકાણે રહેતો થયો. અંત્ય પાષાણયુગનાં માનવ-હાડપિંજર લાંઘણજજિ.મહેસાણા)માં મળ્યાં છે, તેમાં માનવવંશ-સંકરતા માલૂમ પડી છે. આ સંસ્કૃતિનો સમય આજથી લગભગ ૫,૦૦૦ વર્ષ પહેલાંનો આંકવામાં આવ્યો છે.