________________
૨
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ: ૧
ભૌગોલિક લક્ષણો ભૌગોલિક દૃષ્ટિએ જોતાં ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્ર કુદરતી એકમો તરીકે અલગ તરી આવે છે. કચ્છનો પ્રદેશ કાંઠા પાસેની ભીની અને પોચી જમીનવાળો હોવાથી “કચ્છ' કહેવાયો છે. એની અંદર ઉત્તરે મોટા રણનો ને પૂર્વે તથા દક્ષિણપૂર્વે નાના રણનો સમાવેશ થાય છે. આ રણ ખારાપાટના વેરાન પ્રદેશો(ર) છે. એ ઘણા છીછરા હોઈ ચોમાસામાં જળબંબાકાર થઈ જાય છે. કચ્છ અને સૌરાષ્ટ્રની વચ્ચે આવેલા અખાતને “કચ્છનો અખાત' કહે છે. સૌરાષ્ટ્ર હાલ દ્વીપકલ્પ છે, પરંતુ પુરાતન કાળમાં એ દ્વીપ હતો. હજી એનો ઉત્તરપૂર્વ ભાગ (ભાલ-નળકાંઠો) છીછરો હોઈ ચોમાસામાં ઘણે અંશે જળબંબાકાર થઈ જાય છે. સૌરાષ્ટ્ર અને તળગુજરાતની વચ્ચે ખંભાતનો અખાત' આવેલો છે. તળ-ગુજરાતનો પ્રદેશ રાજસ્થાન, મેવાડ, માળવા, ખાનદેશ અને કોંકણથી પહાડો અને જંગલોની કુદરતી સીમાઓ દ્વારા તેમજ લોકોની ભાષા તથા રહેણીકરણી દ્વારા ઘણે અંશે જુદો પડે છે. કચ્છના દક્ષિણ ભાગને, સૌરાષ્ટ્રના ઉત્તરપશ્ચિમ, પશ્ચિમ, દક્ષિણ અને પૂર્વ ભાગને તથા દક્ષિણ ગુજરાતના પશ્ચિમ ભાગને સમુદ્ર કિનારાનો લાભ મળેલો છે. સૌરાષ્ટ્ર અને કચ્છના અંદરના ભાગમાં તેમજ તળ-ગુજરાતના પૂર્વ તથા ઉત્તરપૂર્વ ભાગમાં કેટલાંક ડુંગરો અને ઉચ્ચ પ્રદેશો તથા જંગલો આવેલાં છે. ગિરનાર જેવા પર્વત અને પાવાગઢ જેવા ડુંગર ઘણા ઓછા છે. નદીઓ સંખ્યામાં ઘણી છે, પરંતુ જેમાં વહાણ ફરી શકે તેવી નદીઓ તો નર્મદા અને તાપી જ છે. સાબરમતી નદીનો પરિવાર મોટો, મહી નદી ખંભાતના અખાત પાસે પહોંચતાં “મહીસાગર' બને છે. દક્ષિણ ગુજરાત તો જાણે નદીઓનો પ્રદેશ. ગુજરાતની ધરતી ઓછેવત્તે અંશે ધાન્ય વગેરેની પેદાશ માટે ફળદ્રુપ ગણાય. આબોહવા પણ એકંદરે સમશીતોષ્ણ. ધરતીના પેટાળમાંથી ખનિજ સંપત્તિ બહુ મળી નથી, પરંતુ ભૂસ્તર-અન્વેષણાને લઈને હવે એની વધુ ને વધુ ભાળ લાગતી જાય છે.
આ ભૌગોલિક લક્ષણોએ ગુજરાતની પ્રજાના ઘડતરમાં પણ ઘણી અસર કરી છે. પહાડો અને જંગલોએ આદિમ જાતિઓને આશ્રય આપ્યો છે. સમુદ્રકાંઠા પાસે તથા મોટી નદીઓના કાંઠા પાસે માગ્લાં પકડવાનો, મીઠું પકવવાનો, મછવા ચલાવવાનો અને વહાણવટાનો ધંધો ખીલ્યો છે. દેશના અને પૃથ્વીના બીજા ભાગોમાંથી કેટલીક લડાયક તથા વાણિજ્યિક જાતિઓ અહીંનાં ખુલ્લા મેદાનોમાં આવી વસી. અહીંની પ્રજાનો મોટો વર્ગ ખેતી, પશુપાલન અને હુન્નરકલાઓના ધંધારોજગાર કરે છે. ગુજરાતનો વણિકવર્ગ જમીન-માર્ગે તેમજ જળમાર્ગે દેશવિદેશના વેપારમાં તથા વહાણવટામાં કુશળ થયો. પરિણામે ગુજરાતની પ્રજાના માનસમાં મળતાવડો સ્વભાવ, કલહ-ભીરુતા, શાંતિપ્રિયતા, ધરછોડની વૃત્તિ ઇત્યાદિ લક્ષ