________________
૧
ગુજરાતનું ઘડતર (ઐતિહાસિક વિહંગાવલોકન
હરિપ્રસાદ શાસ્ત્રી
આપણો આ પ્રદેશ ઘણા લાંબા કાળથી ગુજરાત' નામે ઓળખાય છે, પરંતુ એનું ઘડતર એને આ નામ લાગુ પડ્યું તે પહેલાં ઘણા વખતથી થવા લાગેલું.
ભૂસ્તર-રચના આ પ્રદેશના ભૂસ્તરની રચના છેક પુરાતન(Archaean) કે અજીવમય(Azoic) યુગથી થવા લાગેલી. એ પછીના પ્રથમ કે પ્રાચીનજીવમય(Paleozoic) યુગના અવશેષ આ પ્રદેશમાં મળ્યા છે. દ્વિતીય કે મધ્યજીવમય(Mesozoic) યુગ દરમ્યાન શરૂઆતમાં દક્ષિણભારત-આફ્રિકા-ઓસ્ટ્રેલિયાને આવરી લેતા વિશાળ ગોંડવન’ ખંડમાં કચ્છ-સૌરાષ્ટ્રનો સમાવેશ થતો; એ પછી ઉત્તરનો વિશાળ “થિસ” સમુદ્ર કચ્છ, સૌરાષ્ટ્ર અને નર્મદાખીણમાં ફરી વળ્યો હતો. મધ્યજીવમય યુગના અંતે પશ્ચિમ ભારતમાં ભયંકર આગ્નેય ક્ષોભ થયો ને ધરતીની સપાટી પર લાવાનો સ્તર પથરાયો. અકીક અને એની વિવિધ જાતો આ તૃતીય કે નૂતનજીવમય(Neozoic) યુગની છે. ઉત્તરના સમુદ્ર ફરી વાર ગુજરાતના પશ્ચિમ ભાગ પર આક્રમણ કર્યું. હવે વર્તમાન જીવયોનિઓ અસ્તિત્વમાં આવવા લાગી. ખનિજ તેલ અને કુદરતી ગેસના સ્તર આ યુગના છે. સમય જતાં વર્તમાન જીવયોનિઓનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું ગયું. આ યુગના અંતભાગમાં દક્ષિણના ગોંડવન ખંડનો મોટો ભાગ નીચે બેસી ગયો, એના પર સમુદ્રનાં પાણી ફરી વળ્યાં, દક્ષિણ ભારત આફ્રિકાથી તદ્દન છૂટું પડી ગયું ને અરબી સમુદ્ર અસ્તિત્વમાં આવ્યો. અનુ-તૃતીય કે ચતુર્થ યુગને માનવજીવનમય યુગ પણ કહે છે, કેમકે જીવયોનિઓમાં માનવનો પ્રાદુર્ભાવ આ યુગમાં થયો. આધુનિક યુગના સ્તરની નીચેના સ્તરના યુગ દરમ્યાન માનવના પ્રાદુર્ભાવનાં ચિલ ગુજરાતમાં બીજા હિમયુગના કે બહુ તો બીજા અંતહિંમયુગના સ્તરોમાં મળે છે. આમ ધરતીના સુદીર્ઘ ઇતિહાસમાં માનવનો ઇતિહાસ છેક આજકાલનો ગણાય, છતાં એનો આરંભ લગભગ એક લાખ વર્ષ પૂર્વે થયો જણાય છે.