________________
ચતુર્થ પ્રકાશ ચાતુર્માસિકકૃત્ય પર્વ કૃત્ય કહ્યું હવે અડધી ગાથામાં ચાતુર્માસિક કૃત્ય કહેવામાં આવે છે.
पइचउमास समुचिअ-नियमगहो पउसे विसेसेण ॥
प्रतिचातुर्मासं समुचितनियमग्रहः प्रावृषि विशेषेण ॥ જે શ્રાવકે પરિગ્રહ પરિમાણ વ્રત લીધું હોય તેણે દરેક ચોમાસામાં પૂર્વે લીધેલા નિયમમાં કાંઈક ઓછું કરવું. જેણે પરિમાણ વ્રત પૂર્વે ન લીધું હોય તેણે પણ દરેક ચોમાસામાં યોગ્ય એવા નિયમ અંગીકાર કરવા. વર્ષાકાળના ચોમાસામાં તો ઘણું કરી ઉચિત નિયમ ગ્રહણ કરવા જ.
તેમાં જે નિયમ જે સયમે લેવાથી બહુ ફળ થાય, તથા જે નિયમ ન હોવાથી ઘણી વિરાધના અથવા ધર્મની નિંદા વિગેરે દોષ થાય તે નિયમ તે વખતે ઉચિત કહેવાય છે. જેમ વર્ષાકાળમાં ગાડાં-ગાડી ચલાવવાની બાધા વગેરે લેવી તથા વાદળ, વર્ષાદિ થવાથી ઇયળો વગેરે પડવાને લીધે રાયણ તથા આંબા કેરી વગેરેના ફળનો ત્યાગ કરવો તે ઉચિત નિયમ જાણવા. અથવા દેશ, પુર, ગામ, જાતિ, કુળ, વય, અવસ્થા વગેરેની અપેક્ષાએ નિયમોમાં ઔચિત્ય જાણવું. બે પ્રકારના નિયમ.
તે નિયમ બે પ્રકારના છે એક દુઃખે પળાય એવા અને બીજા સુખે પળાય એવા. ધનવંત વ્યાપારી અને અવરિત લોકોને સચિત્ત રસનો તથા શાકનો ત્યાગ અને સામાયિકનો સ્વીકાર વગેરે નિયમ દુઃખે પળાય એવા છે, પરંતુ પૂજા, દાન વગેરે નિયમો તેમનાથી સુખે પળાય તેમ છે.
દરિદ્રી પુરુષોની વાત એથી ઊલટી છે. તો પણ ચિત્તની એકાગ્રતા હોય તો ચક્રવર્તીએ તથા શાલિભદ્ર વગેરે લોકોએ જેમ દીક્ષાદિ કષ્ટ સહન કર્યા તેમ સર્વે નિયમ સર્વથી સુખે પળાય તેવા છે. કહ્યું છે કે જ્યાં સુધી ધીર પુરૂષો દીક્ષા લેતા નથી ત્યાં સુધી મેરૂપર્વત ઊંચો છે, સમુદ્ર દુસ્તર છે અને કામની ગતિ વિષમ છે. એમ છતાં નિયમ તો શ્રાવકે જરૂર લેવા જ. જેમ વર્ષાકાળમાં કૃષ્ણની માફક તથા કુમારપાળ વગેરેની માફક સર્વ દિશાએ જવાનો ત્યાગ કરવો ઉચિત છે. તેમ કરવાની શક્તિ ન હોય તો જે વખતે તે દિશાઓમાં ગયા વિના પણ નિર્વાહ થાય એમ હોય તે વખતે તે તરફ જવું નહી. તેમજ સર્વ સચિત્ત વસ્તુનો ત્યાગ ન કરી શકે તો જે વખતે જે વસ્તુ વિના નિર્વાહ થઈ શકે એમ હોય તે વખતે તે વસ્તુનો નિયમ લેવો. જે માણસને જે ઠેકાણે જે વખતે જે વસ્તુ મળવાનો સંભવ ન હોય, જેમકે, દરિદ્રી પુરુષને હાથી વગેરે, મરુદેશમાં નાગરવેલનાં પાન વગેરે તથા આંબા (કેરી) વગેરે ફળની ઋતુ ન હોય તો, તે તે ફળો દુર્લભ છે. માટે તે પુરુષે તે ઠેકાણે તે વખતે તે વસ્તુનો તો નિયમ ગ્રહણ કરવો. આ રીતે અછતી વસ્તુનો નિયમ કરવાથી પણ વિરતિ વગેરે મોટું ફળ થાય છે.
૩૫