________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - ચતુર્થ પ્રકાશ
૨૭૪
અછતી વસ્તુના ત્યાગમાં દ્રમકમુનિનું દેષ્ટાન્ત.
એમ સંભળાય છે કે રાજગૃહીનગરીમાં એક ભિખારીએ દીક્ષા લીધી તે જોઈ લોકો “એણે ઘણું ધન છોડીને દીક્ષા લીધી !'' એ રીતે તેની હાંસી કરવા લાગ્યા. તેથી ગુરુ મહારાજે વિહાર કરવાની વાત કરી. ત્યારે અભયકુમારે ચૌટામાં ત્રણ ક્રોડ સોનૈયાનો એક મોટો ઢગલો કરી સર્વ લોકોને બોલાવીને કહ્યું કે “જે પુરુષ કૂવા વગેરેનું પાણી, દેવતા (અગ્નિ) અને સ્ત્રીનો સ્પર્શ, એ ત્રણ યાવજ્જીવ મૂકી દે તેણે આ ધનનો ઢગલો ગ્રહણ કરવો.'' લોકોએ વિચાર કરીને કહ્યું કે “ત્રણ ક્રોડ ધન છોડી શકાય પરંતુ પાણી વગેરે ત્રણ વસ્તુ ન છોડાય.”
પછી મંત્રીએ કહ્યું કે “અરે મૂઢ લોકો ! તો તમે આ દ્રમકમુનિની હાંસી કેમ કરો છો ? એણે તો જળાદિ ત્રણ વસ્તુનો ત્યાગ કરેલો હોવાથી ત્રણ ક્રોડ કરતાં પણ વધુ ધનનો ત્યાગ કર્યો છે.’ પછી પ્રતિબોધ પામેલા લોકોએ દ્રમકમુનિને ખમાવ્યા. આ રીતે અછતી વસ્તુનો ત્યાગ કરવા ઉપર દૃષ્ટાંત કહ્યું છે.
માટે અછતી વસ્તુના પણ નિયમ ગ્રહણ કરવા જોઈએ. તેમ ન કરે તો તે તે વસ્તુ ગ્રહણ કરવામાં પશુની માફક અવિરતિપણું રહે છે, તે નિયમ ગ્રહણ કરવાથી દૂર થાય છે. ભર્તૃહરિએ કહ્યું છે કે “અમે ક્ષમા આપી પણ અપમાન સહન ન કર્યું. સંતોષથી ઘરમાં ભોગવવા યોગ્ય સુખોનો ત્યાગ કર્યો નહીં, દુઃસહ ટાઢ, વાયુ અને તાપ સહન કર્યા પણ ક્લેશ વેઠીને તપ કર્યું નહીં. રાતદિવસ ધનનું ધ્યાન કર્યાં કર્યું પણ નિયમિત પ્રાણાયામ કરીને મુક્તિનું ધ્યાન ધર્યું નહીં આ રીતે મુનિઓએ કરેલાં તે તે કર્મો તો અમે કર્યાં પણ તે તે કર્મોના ફલ તો અમને પ્રાપ્ત ન જ થયાં.''
અહોરાત્રમાં દિવસે એક વાર ભોજન કરે તો પણ પચ્ચક્ખાણ કર્યા વિના એકાસનનું ફળ મળતું નથી. લોકમાં પણ એવી જ રીતિ છે કે કોઈ માણસ કોઈનું ઘણું ધન ઘણા કાળ સુધી વાપરે તો પણ કહ્યા વિના તે ધનનું થોડું વ્યાજ પણ મળતું નથી. અછતી વસ્તુનો નિયમ ગ્રહણ કર્યો હોય તો કદાચ કોઈ રીતે તે વસ્તુનો યોગ આવી જાય તો પણ નિયમ લેનાર માણસ તે વસ્તુ લઈ ન શકે અને નિયમ ન લીધો હોય તો લઈ શકે. આ રીતે અછતી વસ્તુનો નિયમ ગ્રહણ કરવામાં પણ પ્રકટ ફળ દેખાય છે. જેમ પલ્લીપતિ વંકચૂલને ગુરુમહારાજે “અજાણ્યાં ફળ ભક્ષણ ન કરવાં.” એવો નિયમ આપ્યો હતો. તેથી તેણે ભૂખ ઘણી લાગી હતી. અને લોકોએ ઘણું કહ્યું તો પણ અટવીમાં કિંપાકફળ અજાણ્યાં હોવાથી ભક્ષણ કર્યાં નહીં. પણ તેની સાથેના લોકોએ ખાધાં તેથી તે લોકો મરણ પામ્યા.
દરેક ચોમાસામાં નિયમ લેવાનું કહ્યું તેમાં ચોમાસું એ ઉપલક્ષણ જાણવું. તેથી પખવાડિયાના અથવા એક, બે ત્રણ માસના તથા એક, બે અથવા તેથી વધુ વર્ષના પણ નિયમ શક્તિ માફક ગ્રહણ કરવા. જે નિયમ જ્યાં સુધી અને જે રીતે આપણાથી પળાય તે નિયમ ત્યાં સુધી અને તે રીતે લેવો. નિયમ એવી રીતે ગ્રહણ કરવા કે જેથી નિયમ વિના એક ઘડી રહી ન શકે. કેમકે વિરતિ કરવામાં મોટા ફળનો લાભ છે. અને અવિરતિપણામાં ઘણા કર્મબંધનાદિ હોય છે. એ વાત પૂર્વે કહેવામાં આવી છે. પૂર્વે જે નિત્ય નિયમ કહેવામાં આવ્યા છે તે જ નિયમ વર્ષાકાળના ચોમાસામાં વિશેષે કરી લેવા.