________________
તૃતીય પ્રકાશ પર્વકૃત્ય.
पव्वेसु पोसहाई बंभअणारंभतवविसेसाइ। आसोअचित्तअट्ठाहिअपमुहेसुं विसेसेणं ॥११॥ पर्वसु पौषधादि-ब्रह्म-अनारम्भ-तपोविशेषादि ।
आश्विन-चैत्राष्टाह्निक-प्रमुखेसु विशेषेण ॥११॥ - સુશ્રાવકે પર્વોમાં તથા વિશેષે આસો મહિનાની તથા ચૈત્ર મહિનાની અટ્ટાઈ(ઓળી)માં પૌષધ વગેરે કરવું, બ્રહ્મચર્ય પાળવું, આરંભ વર્જવો અને વિશિષ્ટ તપશ્ચર્યા વગેરે કરવી. (૧)
પોષ=ધર્મની પુષ્ટિને, ધ=ધારણ કરે તે પૌષધ કહેવાય છે. શ્રાવકે સિદ્ધાંતમાં કહેલા આઠમ, ચૌદશ વગેરે પર્વોના દિવસે પૌષધ આદિ વ્રત જરૂર કરવું. આગમમાં કહ્યું છે કે જિનમતમાં સર્વેકાળ પર્વોમાં પ્રશસ્ત યોગ છે જ. તેમાં પણ શ્રાવકે આઠમ તથા ચૌદશે અવશ્ય પૌષધ કરવો. ઉપર પૌષધ વગેરે કહ્યું છે માટે વગેરે શબ્દવડે શરીર આરોગ્ય ન હોવાથી અથવા બીજા એવા જ કાંઈ યોગ્ય કારણથી પૌષધ ન કરી શકાય, તો બે વાર પ્રતિક્રમણ, ઘણાં સામાયિક, દિશા વગેરેના અતિશય સંક્ષેપવાળું દેશાવકાસિક વ્રત વગેરે જરૂર કરવાં. તેમજ પર્વોમાં બ્રહ્મચર્ય પાળવું. આરંભ વર્જવો, ઉપવાસ વગેરે તપશ્ચર્યા શક્તિ માફક પહેલાં કરતાં વધારે કરવી.
ગાથામાં આદિ શબ્દ છે તેથી સ્નાત્ર, ચૈત્યપરિપાટી, સર્વ સાધુઓને વંદના, સુપાત્રદાન વગેરે કરીને, હંમેશાં જેટલું દેવ-ગુરુપૂજન, દાન વગેરે કરાય છે તે કરતાં પર્વને દિવસે વિશેષ કરવું. કેમ કે જો દરરોજ ધર્મની ક્રિયા સમ્યક પ્રકારે પાળો તો તો ઘણો લાભ છે; પણ જો તેમ કરી શકાતું ન હોય તો પર્વને દિવસે તો અવશ્ય પાળો. દશેરા, દિવાળી, અખાત્રીજ વગેરે લૌકિક પર્વોને વિષે જેમ મિષ્ટાન્ન ભક્ષણની તથા વસ્ત્ર, આભૂષણ પહેરવાની વિશેષ યતના રખાય છે તેમ ધર્મના પર્વ આવે, ધર્મને વિષે પણ વિશેષ યતના રાખવી. પર્વ દિવસો અને તેનું ફલ.
અન્યદર્શની લોકો પણ અગિયારશ, અમાસ વગેરે પર્વોના દિવસોમાં કેટલોક આરંભ વર્જે છે અને ઉપવાસ વગેરે કરે છે. તથા સંક્રાંતિ, ગ્રહણ વગેરે પર્વોમાં પણ પોતાની સર્વશક્તિથી દાનાદિ આપે છે. માટે શ્રાવકે તો સર્વ પર્વ દિવસ અવશ્ય પાળવા જોઈએ. પર્વદિન આ રીતે કહ્યા છે, આઠમ ૨, ચૌદશ ૨, પૂનમ ૧ અને અમાસ ૧ એ છ પર્વ દરેક માસમાં આવે છે અને દરેક પખવાડિયામાં ત્રણ (આઠમ ૧, ચૌદશ ૧ અને પૂનમ ૧ અથવા અમાસ ૧) પર્વ આવે છે.
તેમજ ગણધર શ્રી ગૌતમસ્વામીએ બીજ, પાંચમ, આઠમ, અગિયારસ અને ચૌદશ” એ પાંચ પર્વતિથિઓ કહી છે. બીજ બે પ્રકારનો ધર્મ આરાધવા માટે પાંચમ પાંચ જ્ઞાન આરાધવા માટે, આઠમ આઠે કર્મ ખપાવવા માટે, અગિયારસ અગિયાર અંગની સેવા માટે તથા ચૌદશ ચૌદ પૂર્વોની આરાધના માટે જાણવી. આ પાંચ પર્વમાં અમાસ, પૂનમ ઉમેરીએ