________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - દ્વિતીય પ્રકાશ
૨૬૦
નારકી આદિની વેદનાઓ.
હવે સંસારની અતિશય વિષમ સ્થિતિ પ્રાયે ચારેગતિમાં દુ:ખ ઘણું ભોગવાય છે તે ઉપરથી વિચારવી. તેમાં નારકી અને તિર્યંચ એ બન્નેમાં બહુ દુ:ખ છે. તે તો પ્રસિદ્ધ જ છે. કેમકે સાતે નરકભૂમિમાં ક્ષેત્રવેદના અને શસ્ત્ર વિના એકબીજાને ઉપજાવેલી વેદના પણ છે. પાંચ નરકભૂમિમાં શસ્ત્રજન્ય વેદના છે અને ત્રણમાં પરમાધામી દેવતાની કરેલી વેદના પણ છે. નરકમાં અહોનિશ પચી રહેલા નારકી જીવોને આંખ મીંચાય એટલા કાલ સુધી પણ સુખ નથી. એક સરખું દુઃખ જ છે.
હે ગૌતમ ! નારકીજીવો નરકમાં જે તીવ્ર દુઃખ પામે છે તેના કરતાં અનંતગણું દુ:ખ નિગોદમાં જાણવું. તિર્યંચ પણ ચાબુક, અંકુશ, પરોણા આદિનો માર સહે છે વગેરે.
મનુષ્યભવમાં પણ ગર્ભવાસ, જન્મ, જરા, મરણ, નાનાવિધ પીડા, વ્યાધિ, દરિદ્રતા વગેરે ઉપદ્રવ હોવાથી દુઃખ જ છે. કહ્યું છે કે હે ગૌતમ ! અગ્નિમાં તપાવી લાલચોળ કરેલી સોયો એક સરખી શરીરમાં ઘોંચવાથી જેટલી વેદના થાય છે તે કરતાં આઠગણી વેદના ગર્ભવાસમાં છે. જીવ ગર્ભમાંથી બહાર નીકળતાં યોનિયંત્રમાં પીલાય છે. ત્યારે તેને ઉપર કહેલી વેદનાથી લક્ષગણી અથવા ક્રોડાક્રોડગણી વેદના થાય છે. બંદીખાનામાં અટકાવ, વધ, બંધન, રોગ, ધનનો નાશ, મરણ, આપદા, મનમાં તાપ, અપયશ, નિંદા એવાં દુ:ખ મનુષ્યભવમાં છે. કેટલાક જીવો મનુષ્યભવ પામીને પણ માઠી ચિંતા, સંતાપ, દારિદ્ર અને રોગ એથી ઘણો ઉદ્વેગ પામીને મરી જાય છે.
દેવભવમાં પણ ચ્યવન, પરાભવ, અદેખાઈ વગેરે છે જ. વળી કહ્યું છે કે અદેખાઈ, ખેદ, મદ, અહંકાર, ક્રોધ, માયા, લોભ વગેરે દોષથી દેવતાઓ પણ લપટાણા છે; તેથી તેમને સુખ ક્યાંથી હોય ?
ધર્મના મનોરથો.
ધર્મના મનોરથ આ રીતે ભાવવા. શ્રાવકના ઘરમાં જ્ઞાન-દર્શનધારી દાસ થવું સારું પણ મિથ્યાત્વથી ભરેલી બુદ્ધિવાળા ચક્રવર્તી પણ થવું ઠીક નથી. હું સ્વજનાદિનો સંગ મૂકી ક્યારે ગીતાર્થ અને સંવેગી એવા ગુરુ મહારાજના ચરણકમળ પાસે દીક્ષા લઈશ ? હું તપસ્યાથી દુર્બળ શરીરવાળો થઈ ક્યારે ભયથી અથવા ઘોર ઉપસર્ગથી ન ડરતાં સ્મશાન વગેરેમાં કાઉસ્સગ્ગ કરી ઉત્તમ પુરુષોની કરણી કરીશ ? વગેરે ધર્મના મનોરથની ભાવના ભાવવી. અત્રે દશમી ગાથાનો વિસ્તરાર્થ સંપૂર્ણ થયો.
તપાગચ્છીય શ્રી રત્નશેખરસૂરિ-વિરચિત ‘શ્રાદ્ધવિધિપ્રકરણ’ની ‘શ્રાદ્ધવિધિ કૌમુદી’ ટીકામાં દ્વિતીય રાત્રિકૃત્ય પ્રકાશ સંપૂર્ણ થયો.