________________
કષાયાદિને જીતવાની પદ્ધતિ.
૨૫૯ ચલિત કરવા ઘણા પ્રયત્ન કર્યા પણ તે ચલિત ન થયા. ત્યારે રાણીએ કોલાહલ કરી તેમના ઉપર આરોપ મૂકી પકડાવ્યા અંતે શેઠના દઢ સમ્યકત્વથી પ્રસન્ન થઈ સમકિતી દેવે શેઠને આપવાની શૂળિના સ્થાને સિંહાસન ઉપર આરૂઢ કર્યા. કષાયાદિને જીતવાની પદ્ધતિ.
હવે કષાય વગેરે દોષનો જય તે તે દોષની મનમાં વિરુદ્ધ ભાવના વગેરે કરવાથી થાય છે. જેમ ક્રોધનો જય ક્ષમાથી, માનનો નિરાભિમાનપણાથી, માયાનો સરળતાથી, લોભનો સંતોષથી, રાગનો વૈરાગ્યથી, દ્વેષનો મૈત્રીથી, મોહનો વિવેકથી, કામનો સ્ત્રીના શરીર ઉપરની અશુચિ ભાવના ભાવવાથી, મત્સરનો બીજાની વધી ગયેલી સંપદા જોવા છતાં મનમાં અદેખાઈ ન રાખવાથી, વિષયનો ઇન્દ્રિયદમનથી, મન-વચન-કાયાના અશુભ યોગનો ત્રણ ગુપ્તિથી, પ્રમાદનો સાવધાનતાથી અને અવિરતિનો જય વિરતિથી થાય છે.
તક્ષક નાગના માથે રહેલો મણિ મેળવવો અથવા અમૃતપાન કરવું એવા ઉપદેશ માફક આ વાત બનવી મુશ્કેલ છે; એવી પણ મનમાં કલ્પના ન કરવી. સાધુ મુનિરાજ વગેરે તે તે દોષનો ત્યાગ કરીને સગુણી થયેલા ચોખી રીતે દેખાય છે. તથા દૃઢપ્રહારી ચિલાતીપુત્ર, રોહિણેય ચોર વગેરે પુરુષોના દાખલા પણ આ વિષય ઉપર જાહેર છે. કહ્યું છે કે તે લોકો ! જે જગમાં પૂજ્ય થયા તે પહેલાં આપણા જેવા જ સાધારણ માણસ હતા એમ સમજી તમે દોષનો ત્યાગ કરવામાં ઘણા ઉત્સાહવંત થાઓ. કાંઈ કોઈ એવું ખેતર નથી કે જેમાં પુરુષો ઉત્પન્ન થાય છે. અને શરીર, ઇન્દ્રિયો વગેરે વસ્તુ જેમ માણસને સ્વભાવિક હોય છે તેમ સાધુપણું સ્વભાવિક નથી મળતું, પરંતુ જે પુરુષ ગુણોને ધારણ કરે છે તે સાધુ કહેવાય છે. માટે ગુણોનું ઉપાર્જન કરો.
અહો ! હે પ્રિય મિત્ર વિવેક ! તું ઘણા પુણ્યથી મને મળ્યો. તારે ક્યારે પણ અમારી પાસેથી ક્યાંય પણ ન જવું. હું તારી સહાયથી ઉતાવળથી જન્મનો તથા મરણનો ઉચ્છેદ કરું . કોણ . જાણે ફરીથી તારો અને મારો મેળાપ થાય કે ન થાય, ઉદ્યમ કરવાથી ગુણોની પ્રાપ્તિ થાય છે અને પ્રયત્ન કરવો આપણા હાથમાં છે. એમ છતાં ફલાણો “મોટો ગુણી છે.” એ વાત કોણ જીવતો પુરુષ સહન કરી શકે ?
ગુણથી જ સન્માન મળે છે. જ્ઞાતિ-જાતિના આડંબરથી કાંઈ ન થાય. વનમાં ઉત્પન્ન થયેલું પુષ્પ લેવાય છે અને પ્રત્યક્ષ પોતાના શરીરથી ઉત્પન્ન થયેલો મળ નાંખી દેવાય છે. ગુણથી જ જગમાં મહિમા વધે છે પણ મોટા શરીરથી અથવા પાકટ-મોટી વયથી વધતો નથી. જુઓ, કેવડાનાં મોટા અને જુનાં પાંદડાં કોરે રહે છે અને વચ્ચે આવેલાં નાનાં અને નવાં પાંદડાં સુગંધી હોવાથી તેને સર્વે સ્વીકારે છે.
જેથી કષાયાદિની ઉત્પત્તિ થતી હોય તે વસ્તુનો અથવા પ્રદેશનો ત્યાગ કરવાથી તે તે દોષનો નાશ થાય છે. કેમકે જે વસ્તુથી કષાયરૂપ અગ્નિની ઉત્પત્તિ થાય તે વસ્તુ મૂકવી અને જે વસ્તુથી કષાયનો ઉપશમ થાય તે વસ્તુ અવશ્ય લેવી. એમ સંભળાય છે કે સ્વભાવે ક્રોધી એવા ચંડરૂદ્ર આચાર્ય ક્રોધની ઉત્પત્તિ ન થવાને માટે શિષ્યોથી જુદા રહ્યા હતા.