________________
પ્રથમ પ્રકાશ ગ્રંથનું મંગલાચરણ ( આર્યાવૃત્તમ્)
सिरिवीरजिणं पणमिअ, सुआओ साहेमि किमवि सङ्घविहिं । रायगिहे जगगुरुणा, जहभणियं अभयपुट्टेणं ॥१॥
श्रीविरजिनं प्रणम्य, श्रुतात् कथयामि किमपि श्राद्धविधिम् ।
राजगृहे जगद्गुरूणा, यथा भणितं अभयपृष्टेन ॥१॥
રાજગૃહનગરીમાં શ્રી અભયકુમારના પૂછવાથી શ્રી વીર પ્રભુએ સ્વમુખે પ્રકાશેલા શ્રાવકોના આચારને (શ્રાદ્ધવિધિને) કેવલજ્ઞાન, અશોકાદિ આઠ પ્રાતિહાર્ય, વચનના પાંત્રીશ ગુણ, અતિશય વગેરે ઐશ્વર્યથી યુક્ત ચરમ તીર્થંકર શ્રી વીર જિનરાજને ઉત્કૃષ્ટ ભાવપૂર્વક ત્રિકરણયોગ (મન, વચન અને કાયા)થી નમીને શ્રુતાનુસાર તથા ગુરુ-પરંપરાએ સાંભળેલા ઉપદેશ પ્રમાણે હું ટુંકમાં કહું છું.
અહીંયાં જે “વીર” પદનું ગ્રહણ કર્યું છે, તેનાથી કર્મરૂપ શત્રુનો નાશ કરનાર અર્થ ઘટે છે. કહ્યું છે કે
(અનુષ્ટુપવૃત્તમ્)
विदारयति यत्कर्म, तपसा च विराजते ।
तपोवीर्येण युक्तश्च तस्माद्वीर इति स्मृतः ॥१॥
(તપવડે) કર્મને દૂર કરે છે, તપવડે શોભે છે, અને તપરૂપી વીર્ય (પરાક્રમ)થી યુક્ત છે, તેટલા માટે “વીર' કહેવાય છે.
રાગાદિ શત્રુઓના જિતવાથી ‘જિન’ પદ પણ સાર્થક જ છે; વળી ૧ દાનવીર, ૨ યુદ્ધવીર, ૩ ધર્મવીર, એમ ત્રણે પ્રકારનું ‘વીરપણું’ તો તીર્થંકરમાં છે જ કહ્યું છે કે -
( शार्दूलविक्रीडितवृत्तम्)
कृत्वा हाटककोटिभिर्जगदसद्दारिद्र्यमुद्राकषं,
हत्वा गर्भशयानपि स्फुरदरीन् मोहादिवंशोद्भवान् ।
तप्त्वा दुस्तपमस्पृहेण मनसा कैवल्यहेतु तपस्त्रेधा वीरयशोदधद्विजयतां वीरस्त्रिलोकीगुरुः ॥१॥
આ અસાર સંસારના દારિત્ર્યને (વરસીદાન વખતે) કરોડો સોનૈયાના દાન વડે દૂર કરીને, (દાનવીર) તેમજ મોહાદિ વંશમાં ઉત્પન્ન થયેલા ગર્ભમાં સત્તામાં રહેલા પણ કર્મરૂપ બલવાન શત્રુઓને (મૂળમાંથી જ) હણીને, (યુદ્ધવીર) તથા મોક્ષહેતુક દુસ્તપતપને નિઃસ્પૃહ મનવડે તપીને (ધર્મવીર) ત્રણ પ્રકારના “વીરયશ” ને ધારણ કરનાર ત્રણ લોકના ગુરુ શ્રી મહાવીરસ્વામી જય પામો.