________________
૨૨૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ જે વસ્તુ સાધુ મુનિરાજને ન અપાઈ તે વસ્તુ કોઈપણ રીતે સુશ્રાવકો ભક્ષણ કરતા નથી, માટે ભોજનનો અવસર આવે દ્વાર તરફ નજર રાખવી.
મુનિરાજનો નિર્વાહ બીજી રીતે થતો હોય તો અશુદ્ધ આહાર આપનાર ગૃહસ્થ તથા લેનાર મુનિરાજને હિતકારી નથી, પરંતુ દુભિક્ષ આદિ હોવાથી જો નિર્વાહ ન થતો હોય તો આતુરના દૃષ્ટાંતથી તે જ આહાર બન્નેને હિતકારી છે. તેમજ માર્ગ કાપવાથી થાકી ગયેલા, ગ્લાન થયેલા, લોચ કરેલા એવા આગમ શુદ્ધ વસ્તુને ગ્રહણ કરનાર મુનિરાજને ઉત્તરવારણાને વિષે દાન આપ્યું હોય, તે દાનથી બહુ ફળ મળે છે.
આ રીતે શ્રાવક દેશ તથા ક્ષેત્ર જાણીને પ્રાસુક અને એષણીય એવો આહાર જેને જે યોગ્ય હોય તે તેને આપે. અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, ઔષધ (એક વસ્તુથી બનેલું) અને ભૈષજય (ઘણા દ્રવ્યના મિશ્રણથી બનેલું) એ સર્વે વસ્તુ પ્રાસુક અને એષણીય હોય તે મુનિરાજને આપે. મુનિરાજને શી રીતે નિમંત્રણા કરવી? તથા ગોચરી શી રીતે આપવી? ઇત્યાદિ વિધિ મેં બનાવેલ શ્રાદ્ધપ્રતિક્રમણવૃત્તિથી જાણી લેવો. એ સુપાત્ર દાન જ અતિથિસંવિભાગ વ્રત કહેવાય છે.
કહ્યું છે ન્યાયથી ઉપાર્જન કરેલા તથા કલ્પનીય એવા અન્ન-પાન આદિ વસ્તુનું દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર અને ક્રમ સાચવીને પરમ ભક્તિથી પોતાના આત્મા ઉપર અનુગ્રહ કરવાની બુદ્ધિપૂર્વક સાધુ મુનિરાજને દાન આપવું, તે જ અતિથિસંવિભાગ કહેવાય છે. સુપાત્રદાનથી દિવ્ય તથા ઔદારિક વગેરે વાંછિત ભોગની પ્રાપ્તિ થાય છે. સર્વ સુખની સમૃદ્ધિ થાય છે, તથા ચક્રવર્તિ વગેરેની પદવી પણ મળે છે અને અંતે થોડા સમયમાં જ નિર્વાણ સુખનો લાભ થાય છે. કહ્યું છે કે -
(૧) અભયદાન, (ર) સુપાત્રદાન, (૩) અનુકંપાદાન, (૪) ઉચિતદાન અને (૫) કીર્તિદાન એવા દાનના પાંચ પ્રકાર છે. તેમાં પહેલાં બે પ્રકારના દાનથી ભોગ અને સુખપૂર્વક મોક્ષની પ્રાપ્તિ થાય છે અને છેલ્લા ત્રણ પ્રકારા દાનથી માત્ર ભોગસુખાદિ મળે છે.
સુપાત્રનું લક્ષણ આ રીતે કહ્યું છે. ઉત્તમ પાત્ર સાધુ, મધ્યમ પાત્ર શ્રાવકો અને જઘન્ય પાત્ર અવિરતિ સમ્યગ્દષ્ટિ જાણવા. તેમજ કહ્યું છે કે હજારો મિથ્યાષ્ટિ કરતાં એક બાર વ્રતધારી શ્રાવક ઉત્તમ છે અને હજારો બાર વ્રતધારી શ્રાવકો કરતાં એક પંચ મહાવ્રતધારી મુનિરાજ ઉત્તમ છે. હજારો મુનિરાજ કરતાં એક તત્ત્વજ્ઞાની ઉત્તમ છે. તત્ત્વજ્ઞાની જેવું પાત્ર થયું નથી અને થશે પણ નહીં. સત્પાત્ર, મોટી શ્રદ્ધા, યોગ્ય કાળ, ઉચિત એવી આપવાની વસ્તુ, એવી ધર્મસાધનની સામગ્રી ઘણા પુણ્યથી મેળવાય છે. ' (૧) અનાદર, (૨) વિલંબ, (૩) પરાક્રમુખપણું, (૪) કડવું વચન અને (૫) પશ્ચાત્તાપ એ પાંચ શુદ્ધ દાનને પણ દૂષિત કરે છે.
(૧) ભ્રમર ઊંચી ચઢાવવી, (૨) દૃષ્ટિ ઊંચી કરવી, (૩) અંતવૃત્તિ રાખવી, (૪) પરાશમુખ થવું, (૫) મૌન કરવું અને (૬) કાળવિલંબ કરવો. એ છ પ્રકારનો નકારો કહેવાય છે.
(૧) આંખમાં આનંદનાં આંસુ (ર) શરીરના રૂવાટાં ઉચાં થવાં, (૩) બહુમાન, (૪) પ્રિય વચન અને (૫) અનુમોદના એ પાંચ પાત્ર દાનનાં ભૂષણ કહેવાય છે.