________________
રત્નસાર કુમારની કથા.
૨૨૩ સુપાત્રદાન ઉપર અને પરિગ્રહ પરિમાણવ્રત પાળવા ઉપર નીચે પ્રમાણે રત્નસારકુમારની કથા છે. રત્નસાર કુમારની કથા.
રત્નવિશાળા નામની નગરીમાં સમરસિંહ નામે રાજા રાજ્ય કરતો હતો. તે નગરમાં વસુસાર નામનો વેપારી રહેતો હતો તેને વસુંધરા નામે પત્નીથી રત્નસાર નામે પુત્ર થયો. રત્નસાર ઉંમરલાયક થતાં મિત્રો સાથે એક વખત જંગલમાં ગયો. ત્યાં તેણે વિનયંધર નામના આચાર્યને જોયા. આચાર્યને વંદન કરી રત્નસારે પૂછયું “ભગવાન્ ! આ લોકમાં સુખ શી રીતે મળે ?' આચાર્યે કહ્યું “સંતોષ રાખવાથી.” આ સંતોષ બે પ્રકારે છે. એક સર્વસંતોષ અને બીજો દેશસંતોષ. સર્વસંતોષ સાધુ રાખી શકે છે અને દેશસંતોષ એટલે પરિગ્રહ પરિમાણ વ્રત તે ગૃહસ્થો રાખી શકે છે અને તેથી સુખ મળે છે.
સર્વસંતોષ માટે ભગવતીસૂત્રમાં કહ્યું છે કે “સર્વસંતોષ રૂપ દીક્ષા એક માસ પાળે તો વાણવ્યંતર, બે માસ પાળે તો ભુવનપતિ, ત્રણ માસ પાળે તો અસુરકુમાર, ચાર માસ પાળે તો જ્યોતિષી, પાંચ માસ પાળે તો ચંદ્ર-સૂર્ય, છ માસ પાળે તો સૌધર્મ ઈશાન દેવ, સાત માસ પાળે તો સનસ્કુમારદેવ, આઠ માસ પાળે તો બ્રહ્મદેવ લોકવાસી તથા લાંતકવાસીદેવ, નવ માસ પાળે તો મહાશુક્ર તથા સહસ્ત્રારવાસી દેવ, દશ માસ પાળે તો આનતથી અશ્રુતવાસી દેવ, અગ્યાર માસ પાળે તો રૈવેયકવાસી દેવ અને બાર માસ પાળે તો અનુત્તર વિમાનવાસી દેવના સુખથી પણ અધિક સુખ મેળવી શકે છે.
જે માણસ સંતોષી નથી તેને ચક્રવર્તિનું રાજ્ય, અખૂટ ધન કે ભોગ અને ઉપભોગનાં સાધનોથી પણ સુખ મળતું નથી. સુભૂમચક્રવર્તિ, કોણિક, મમ્મણશેઠ, કુમારનંદી સોની વગેરે ઘણી સામગ્રી હોવા છતાં દુઃખી થયા છે; માણસ પોતાનાથી મોટા મોટા માણસોને નજરમાં રાખે ત્યારે પોતે દરિદ્રી લાગે છે. અને જો તે પોતાથી ઉતરતા માણસોને નજરમાં રાખે તો સમૃદ્ધ અને સુખી દેખાય છે. આથી ઇચ્છા મુજબ ધન, ધાન્યનું પરિમાણ ગ્રહણ કરી જીવનમાં સંતોષ રાખવાથી સુખ મળે છે. ધર્મ નિયમ લીધા વિના પાળ્યો હોય તો તેથી થોડું ફળ મળે છે. અને જો તેને નિયમપૂર્વક પાળવામાં આવે તો ઘણું ફળ મળે છે.
જેમ કૂવામાં થોડું થોડું પણ પાણી નિયમિત આવે છે તો તેથી તે કૂવો હંમેશાં પાણીવાળો રહે છે. પણ તળાવ વિગેરેમાં પાણી નવું નહિ આવતું હોવાથી તે દિવસે ખૂટી જાય છે. તેમજ વ્રત નિયમ પૂર્વક લેવાથી સંકટ સમયે પણ તેનું પાલન થાય છે અને નિયમ વગર સારી અવસ્થામાં પણ પ્રમાદથી ધર્મકૃત્યો મુકાઈ જાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે “ધર્મનું જીવિત દેઢતા, વૃક્ષનું જીવિત ફળ, નદીનું જીવિત જળ, સુભટનું જીવિત બળ, ઠગ માણસનું જીવિત જાવું, જલનું જીવિત શીતલપણું, અને ભોજનનું જીવિત ઘી છે માટે ડાહ્યા પુરુષોએ ધર્મકરણીનો નિયમ લેવામાં તથા લીધેલા નિયમને દઢતાથી પાળવામાં ખૂબ પ્રયત્ન કરવો જોઈએ જેથી ઇચ્છિત સુખની પ્રાપ્તિ થાય છે.