________________
અન્ય ધર્મીઓનું ઉચિત.
૨૧૧ ચોખા ઊગતા નથી. જે પર્વતોને ફોડી નાંખે છે તથા ભૂમિને પણ વિદારે છે તે જળના પ્રવાહને તૃણનો સમુદાય રોકે છે. એ સંપનો મહિમા છે.
પોતાનું હિત ઇચ્છનારા લોકોએ ધનનો વ્યય કરનારા રાજાના દેવસ્થાનના અથવા ધર્મખાતાના અધિકારી તથા તેમના હાથ નીચેના લોકોની સાથે લેણદેણનો વ્યવહાર ન કરવો. અને રાજાની સાથે વ્યવહાર ન જ કરવો એમાં તો કહેવું જ શું ?
રાજાના અધિકારીઓ વિગેરેની સાથે વ્યવહાર ન કરવાનું કારણ એ છે કે, તે લોકો ધન લેવું હોય તે વખતે પ્રાયે પ્રસન્ન મુખથી વાર્તાલાપ કરી તથા તેમને ત્યાં ગયે બેસવા આસન, પાન-બીડા આદિ આપી ખોટો-દેખાડવાનો ભભકો દેખાડે છે અને ભલાઈ ઉઘાડી કરે છે. પણ અવસર આવે ખરું લેણું માગીએ ત્યારે “અમે ફલાણું તમારું કામ નહોતું કર્યું ?” એમ કહી પોતે કરેલો તલના ફોતરા સરખો યત્કિંચિત્ માત્ર ઉપકાર પ્રકટ કરે છે અને પૂર્વના દાક્ષિણ્યને તે જ વખતે મૂકી દે છે એવો તેમનો સ્વભાવ છે. કહ્યું છે કે ૧. બ્રાહ્મણમાં ક્ષમા, ૨. માતામાં દ્વેષ, ૩. ગણિકામાં પ્રેમ અને (૪) અધિકારીઓમાં દાક્ષિણ્યપણું એ ચારે અનિષ્ઠ જાણવાં. એટલું જ નહીં પણ તે ઉલટા લેણદારને ખોટા તહોમતમાં લાવી રાજા પાસે શિક્ષા કરાવે છે.
કહ્યું છે કે લોકો પૈસાદાર માણસ ઉપર ખોટાં તહોમત મૂકી તેને હેરાન કરે છે; પણ નિર્ધન માણસ અપરાધી હોય તો પણ તેને કોઈ ઠેકાણે નુકસાન થતું નથી. રાજાની સાથે ધનનો વ્યવહાર ન રાખવાનું કારણ એ કે, કોઈ સામાન્ય ક્ષત્રિય પાસે પણ લહેણું માગીએ તો તરવાર દેખાડે છે. તો પછી સ્વભાવથી ક્રોધી એવા રાજાઓની શી વાત કહેવી ? આ રીતે સરખો ધંધો કરનારા નાગર લોકનાં સંબંધમાં ઉચિત આચરણ કહ્યું. સરખો ધંધો ન કરનારા નાગર લોકોની સાથે પણ ઉપર કહ્યા પ્રમાણે જ યથાયોગ્ય રીતે વર્તવું.
નાગર લોકોએ એકબીજાની સાથે શી રીતે ઉચિત આચરણ કરવું તે કહ્યું. હવે અન્યદર્શની લોકોની સાથે શી રીતે ઉચિત આચરણ કરવું તે કહીએ છીએ. અન્ય ધર્મીઓનું ઉચિત.
અન્યદર્શની ભિક્ષુકો આપણે ઘેર ભિક્ષાને અર્થે આવે તો તેમને યથાયોગ્ય દાન આદિ આપવું. તેમાં પણ રાજાના માનનીય એવા અન્યદર્શની ભિક્ષાને અર્થે આવે તો તેને વિશેષે કરી દાન અવશ્ય આપવું.
જો કે શ્રાવકના મનમાં અન્યદર્શનીને વિષે ભક્તિ નથી, તેના ગુણને વિષે પક્ષપાત નથી, તો પણ આવેલાનું યોગ્ય આદરમાન કરવું એ ગૃહસ્થનો ધર્મ છે. આચાર.
ઘેર આવેલાની સાથે ઉચિત આચરણ કરવું, એટલે જેની જેવી યોગ્યતા હોય તે પ્રમાણે તેની સાથે મધુર ભાષણ કરવું, તેને બેસવા આસન આપવું. આસનાદિના માટે નિમંત્રણ કરવું, કયા કારણથી આવવું થયું ? તે પૂછવું તથા તેનું કામ કરવું, વગેરે યોગ્ય આચરણ જાણવું. તથા સંકટમાં પડેલા લોકોને તેમાંથી કાઢવા. અને દીન, અનાથ, આંધળા, બહેરા, રોગી વિગેરે દુઃખી