________________
૨૧૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ લોકો ઉપર દયા કરવી, તથા તેમને પોતાની શક્તિ પ્રમાણે મદદ કરી તે દુઃખમાંથી કાઢવા એ ધર્મ સર્વદર્શનીઓને સમ્મત છે.
શ્રાવકોને એ લૌકિક ઉચિત આચરણ કરવાનું કહ્યું, એનું કારણ એ છે કે જે માણસો ઉપર કહેલું લૌકિક ઉચિત આચરણ કરવામાં પણ કુશળ નથી, તેઓ લોકોત્તર પુરુષની સૂક્ષ્મ બુદ્ધિથી ગ્રહણ કરાય એવા જૈનધર્મને વિષે શી રીતે કુશળ થાય ? માટે ધર્માર્થી લોકોએ અવશ્ય ઉચિત આચરણ કરવામાં નિપુણ થવું. બીજે સ્થળે પણ કહ્યું છે સર્વ ઠેકાણે ઉચિત આચરણ કરવું, ગુણ ઉપર અનુરાગ રાખવો, દોષને વિષે મધ્યસ્થપણું રાખવું અને જિનવચનને વિષે રૂચિ રાખવી એ સમ્યગ્દષ્ટિનાં લક્ષણ છે.
* સમુદ્રો પોતાની મર્યાદા મૂકતા નથી, પર્વતો ચલાયમાન થતા નથી, તેમ ઉત્તમ પુરુષો ઉચિત આચરણો છોડતા નથી. જગતના ગુરુ એવા તીર્થકરો પણ ગૃહસ્થપણામાં માતાપિતાના સંબંધમાં અભ્યત્થાન (મોટા પુરુષ આવે ત્યારે આદરથી ઉભું રહેવું) વગેરે કરે છે.” આ રીતે નવ પ્રકારનું ઉચિત આચરણ કહ્યું. અવસરોચિત વચનથી થતો લાભ.
અવસરે કહેલા યોગ્ય વચનથી ઘણો લાભ થાય છે. જેમ આંબડ મંત્રીએ મલ્લિકાર્જુનને જીતીને ચૌદ કરોડ મૂલ્યના મોતીના ભરેલા છ મૂડા, એકેક તોલામાં ચૌદ ભાર જેટલો એવા ધનના બત્રીશ કુંભ શૃંગારના રત્નજડિત ક્રોડ વસ્ત્ર, તથા વિષને હરણ કરનાર શુક્તિ (છીપ) વગેરે વસ્તુ કુમારપાળના ભંડારમાં ઉમેરી, તેથી તેણે (રાજાએ) સંતુષ્ટ થઈ આંબડ મંત્રીને રાગપિતાદ એ બિરૂદ, ક્રોડ દ્રવ્ય, ચોવીશ સારા જાતિવંત અશ્વ વગેરે ઋદ્ધિ આપી. ત્યારે આંબડ મંત્રીએ પોતાના ઘર સુધી પહોંચતાં પહેલાં જ માર્ગમાં તે સર્વ ઋદ્ધિ યાચકજનોને આપી.
એ વાતની રાજા પાસે કોઈએ ચાડી ખાધી ત્યારે મનમાં માઠા અધ્યવસાય આવ્યાથી કુમારપાળ રાજાએ ક્રોધથી આંબડમંત્રીને કહ્યું કે, “કેમ તું મારા કરતાં પણ વધારે દાન આપે છે ?” આંબડે કહ્યું “મહારાજ ! આપના પિતાજી દશ ગામડાના ધણી હતા અને આપ તો અઢાર દેશના ધણી છો, એમાં આપ તરફથી પિતાજીનો કાંઈ અવિનય થયેલો ગણાય ?” વગેરે ઉચિત વચનથી રાજાએ રાજી થઈને આંબડને રાજપુત્ર એવું બિરૂદ આપ્યું અને પૂર્વે આપી હતી તે કરતાં બમણી ઋદ્ધિ આપી.
ગ્રંથાંતરમાં કહ્યું છે કે દાન દેતાં, ગમન કરતાં, સૂતાં બેસતાં, ભોજન-પાન કરતાં, બોલતાં તથા બીજે સર્વ સ્થાનકે અવસર હોય તો જ તે મનોહર લાગે છે માટે સમયને જાણ પુરુષ સર્વ ઠેકાણે ઉચિત આચરણ કરે છે. કેમ કે એક તરફ એક ઉચિત આચરણ અને બીજી તરફ બીજા ક્રોડો ગુણો છે. એક ઉચિત આચરણ ન હોય તો સર્વ ગુણોનો સમુદાય ઝેર માફક છે માટે પુરુષે સર્વ અનુચિત આચરણ છોડી દેવું. તેમજ જે આચરવાથી પોતાની મૂર્ખમાં ગણતરી થાય છે તે સર્વે અનુચિત આચરણમાં સમાય છે. તે સર્વ લૌકિકશાસ્ત્રમાં ઉપકારનું કારણ હોવાથી અહીં દેખાડીએ છીએ.