________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
૧૩૨
માટે ઉજમણા આદિમાં મૂકવા પાટલીઓ, નાળિયેર, લાડુ, આદિ વસ્તુ જેનું મૂલ્ય હોય તથા તે તૈયાર કરતાં, લાવતાં જે દ્રવ્ય બેઠું હોય તેથી પણ કાંઈક વધારે રકમ આપવી, એમ કરવાથી શુદ્ધ નકરો કહેવાય છે. કોઈએ પોતાના નામથી ઉજમણા વગેરે માંડ્યું હોય, પરંતુ અધિક શક્તિ આદિ ન હોવાથી માંડેલા ઉજમણાની રીત બરાબર સાચવવા કોઈ બીજો માણસ કાંઈ મૂકે તો તેથી કોઈ દોષની પ્રાપ્તિ થતી નથી.
ઘરદેરાસરમાં મૂકેલ (ચઢાવેલ) અક્ષતાદિની વ્યવસ્થા :
પોતાના ઘરદેરાસરોમાં ભગવાન આગળ મૂકેલા ચોખા, સોપારી, નૈવેદ્ય આદિ વસ્તુ વેચવાથી નિપજેલી રકમમાંથી પુષ્પ, ભોગ (કેસર, ચંદન) વસ્તુ પોતાના ઘરદેરાસરમાં ન વાપરવી; અને બીજા જિનમંદિરમાં પણ પોતે ભગવાન ઉપર ન ચઢાવવી. પરંતુ ખરી વાત કહીને તે પૂજક લોકોના હાથથી ચઢાવે. જિનમંદિરે પૂજકનો યોગ ન હોય તો સર્વલોકને તે વસ્તુનું સ્વરૂપ પ્રક્ટ કહીને પોતે જ તે વસ્તુ ભગવાન ઉપર ચઢાવે. એમ ન કરે તો ગાંઠનું ન ખરચાતાં ફોગટ લોકો પાસેથી પોતાની પ્રશંસા કરાવ્યાનો દોષ માથે આવે છે.
ઘરદેરાસરની નૈવેદ્ય આદિ વસ્તુ માળીને આપવી, પણ તે તેના માસિક પગારની રકમમાં ગણવી. જો પ્રથમથી માસિક પગારને બદલે નૈવેદ્ય આદિ આપવાનો ઠરાવ કર્યો હોય તો કાંઈ દોષ નથી. મુખ્ય માર્ગ જોતાં માળીને માસિક પગાર જુદો જ આપવો. ઘરદેરાસરમાં ભગવાન આગળ ધરેલા ચોખા, નૈવેદ્ય આદિ વસ્તુ મોટા જિનમંદિરે મૂકવી. નહીં તો “ઘરદેરાસરની વસ્તુથી ઘરદેરાસરની પૂજા કરી પણ ગાંઠના દ્રવ્યથી ન કરી'' એમ થાય અને અનાદર, અવજ્ઞા આદિ દોષો પણ લાગે, એમ થવું યોગ્ય નથી.
પોતાના શરીર, કુટુંબ વગેરે માટે ગૃહસ્થ માણસ ગમે તેટલો દ્રવ્યવ્યય કરે છે તેમ જિનમંદિરે જિનપૂજા પણ શક્તિ પ્રમાણે પોતાના દ્રવ્યથી જ કરવી. પણ પોતાના ઘરદેરાસરમાં ભગવાન આગળ ધરેલા નૈવેદ્ય આદિ વસ્તુ વેચીને નિપજેલા દ્રવ્યથી અથવા દેવદ્રવ્ય સંબંધી ફૂલ આદિ વસ્તુથી ન કરવી. કારણ કે, તેમ કરવાથી ઉપર કહેલા દોષ આવે છે. તેમજ જિનમંદિરે આવેલ નૈવેદ્ય, ચોખા, સોપારી આદિ વસ્તુની પોતાની વસ્તુની માફક સંભાળ લેવી. સારૂં મૂલ્ય ઉત્પન્ન થાય એવી રીતે વેચવી. પણ જેમ તેમ રખડતી રાખવી નહીં. કારણ કે તેમ કરવાથી દેવદ્રવ્યનો વિનાશ આદિ કર્યાનો દોષ આવે છે.
સર્વ પ્રયત્નથી રક્ષણ આદિ ફીકર કરતાં છતાં પણ જો કદાચિત્ ચોર, અગ્નિ આદિના ઉપદ્રવથી દેવદ્રવ્યાદિનો નાશ થઈ જાય તો સારસંભાળ કરનારને માથે કાંઈ દોષ નથી. કારણ કે અવશ્ય થનારી વાત-ભવિષ્ય આગળ કોઈનો ઉપાય નથી.
પારકું દ્રવ્ય ન વાપરવું.
યાત્રા-તીર્થની અથવા સંઘની પૂજા, સાધર્મિકવાત્સલ્ય, સ્નાત્ર, પ્રભાવના, પુસ્તક છપાવવું, લખાવવું, વાંચન આદિ ધર્મકૃત્યોમાં જો બીજા કોઈ ગૃહસ્થના દ્રવ્યની મદદ લેવાય તે ચાર-પાંચ પુરુષોને સાક્ષી રાખીને લેવી અને તે દ્રવ્ય ખરચવા સમયે ગુરુ, સંઘ આદિ લોકોની આગળ તે