________________
થોડા નકરાથી ઉજમણામાં વસ્તુઓ મૂકવા અંગે લક્ષ્મીવતીનું દૃષ્ટાંત.
૧૩૧
એ ત્રણે ખાતાનાં વસ્ત્ર, નાળીયેર, સોના રૂપાની પાટી, કળશ, ફૂલ, પક્વાન્ન, સુખડી વગેરે વસ્તુ ઉજમણામાં, નંદિમાં અને પુસ્તક પૂજા વગેરે કૃત્યોમાં સારો નકરો આપ્યા વિના ન મૂકવી. ‘ઉજમણા આદિ કૃત્યોમાં પોતાના નામથી, મોટા આડંબરો માંડ્યા હોય તો લોકમાં ઘણી પ્રશંસા થાય' એવી ઇચ્છાથી થોડો નકરો આપીને ઘણી વસ્તુ મૂકવી એ યોગ્ય નથી. આ વાત ઉપર લક્ષ્મીવતીનું દષ્ટાંત છે.
થોડા નકરાથી ઉજમણામાં વસ્તુઓ મૂકવા અંગે લક્ષ્મીવતીનું દૃષ્ટાંત.
કોઇ લક્ષ્મીવતી નામે શ્રાવિકા ઘણી દ્રવ્યવાન, ધર્મિષ્ઠ અને પોતાની મોટાઇ ઇચ્છનારી હતી. તે હંમેશા થોડો નકરો આપીને ઘણાં આડંબરથી વિવિધ પ્રકારના ઉજમણાં આદિ ધર્મકૃત્યો કરે અને કરાવે તથા મનમાં એમ જાણે કે, “હું દેવદ્રવ્યની વૃદ્ધિ તથા પ્રભાવના કરૂં છું.” એવી રીતે શ્રાવકધર્મ પાળીને તે મરણ પામી અને સ્વર્ગે ગઇ, તો પણ બુદ્ધિપૂર્વક આરાધના દોષથી ત્યાં નીચ દેવીપણે ઉત્પન્ન થઇ. કાળ થતાં સ્વર્ગથી ચ્યવી કોઇ ધનવાન તથા પુત્ર રહિત શેઠને ત્યાં માન્ય પુત્રીપણે ઉત્પન્ન થઇ.
પણ તે ગર્ભમાં આવી ત્યારે ઓચિંતો પરચક્રનો મોટો ભય આવ્યાથી તેની માતાનો સીમંતનો ઉત્સવ ન થયો. તથા જન્મોત્સવ, છઠ્ઠીનો જાગરિકોત્સવ, નામ પાડવાનો ઉત્સવ આદિ ઉત્સવ પિતાએ મોટા આડંબરથી કરવાની તૈયારી કરી હતી, તો પણ રાજા તથા મંત્રી આદિ મોટા લોકના ઘરમાં શોક ઉત્પન્ન થવાથી તે ન થયા, તેમજ શેઠે રત્નજડિત સુવર્ણના સર્વ અંગે પહેરાય એટલા અલંકાર ઘણા આદરથી કરાવ્યા હતા, તો પણ ચોરાદિકના ભયથી તે પુત્રી એક દિવસ પણ પહેરી શકી નહીં. તે માબાપને તથા બીજા લોકોને પણ ઘણી માન્ય હતી તો પણ પૂર્વકર્મના દોષથી તેને ખાવા પીવાની તથા પહેરવા-ઓઢવાની વસ્તુ ઘણે ભાગે એવી મળતી હતી કે, સામાન્ય માણસને પણ સુખે મળી શકે. કહ્યું છે કે સાગર ! તું રત્નાકર કહેવાય છે અને તેથી તું રત્નથી ભરેલો છે, છતાં મારા હાથમાં દેડકો આવ્યો ! એ તારો દોષ નથી પણ મારા પૂર્વકર્મનો દોષ છે. પછી શેઠે એ પુત્રીનો ઉત્સવ થયો નથી માટે મોટા આડંબરથી તેનો લગ્ન મહોત્સવ કરવા માંડ્યો. લગ્ન દિવસ નજીક આવ્યો ત્યારે તે પુત્રીની માતા અકસ્માત્ મરણ પામી ત્યારે બિલકુલ ઉત્સવ ન થતાં વરવહુનો હસ્તમેળાપ માત્ર રૂઢી પ્રમાણે કર્યો.
મોટા ધનવાન અને ઉદાર શેઠને ઘેર પરણી હતી અને સાસરા આદિ સર્વે લોકને માનીતી હતી તો પણ પૂર્વની જેમ નવા નવા ભય, શોક, માંદગી આદિ કારણ ઉત્પન્ન થવાથી તે પુત્રીને પોતાના મનગમતા વિષયસુખ તથા ઉત્સવ ભોગવવાનો યોગ પ્રાયે ન જ મળ્યો. તેથી તે મનમાં ઘણી ઉદ્વિગ્ન થઇ અને સંવેગ પામી. એક દિવસે તેણે કેવળી મહારાજને એ વાતનું કારણ પૂછવાથી તેમણે કહ્યું કે, “પૂર્વભવે તેં થોડો નકરો આપીને મંદિર આદિની ઘણી વસ્તુ વાપરી અને મોટો આડંબર દેખાડચો તેથી જે દુષ્કર્મ ઉપાજ્યું તેનું આ ફળ છે.” કેવળીનાં એવાં વચન સાંભળી તે પ્રથમ આલોયણ અને પછી દીક્ષા લઇ અનુક્રમે નિર્વાણ પામી. એ રીતે લક્ષ્મીવતીની કથા છે.