________________
પુણ્યાર્થે કાઢેલું દ્રવ્ય કેમ વાપરવું?
૧૩૩ દ્રવ્યનું ખરું સ્વરૂપ યથાસ્થિત કહી દેવું. એમ ન કરે તો દોષ લાગે તીર્થ આદિ સ્થળોમાં દેવપૂજા,
સ્નાત્ર, ધ્વજારોપણ, પહેરામણી આદિ અવશ્ય કરવા યોગ્ય ધર્મકૃત્યો ગાંઠના દ્રવ્યથી કરવાં અને તેમાં બીજા કોઈનું દ્રવ્ય ભેગું ન લેવું.
ઉપર કહેલાં ધર્મકૃત્યો ગાંઠના દ્રવ્યથી કરીને પછી બીજા કોઈએ ધર્મકૃત્યોમાં વાપરવા દ્રવ્ય આપ્યું હોય તો તે મહાપૂજા, ભોગ, અંગપૂજા આદિ કૃત્યોમાં સર્વની સમક્ષ જુદું વાપરવું. જયારે ઘણા ગૃહસ્થ ભેગા થઈને યાત્રા, સાધર્મિકવાત્સલ્ય, સંઘ પૂજા આદિ કૃત્ય કરે ત્યારે જેનો જેટલો ભાગ, હોય તેનો તેટલો ભાગ વગેરે સર્વ સમક્ષ કહી દેવો. એમ ન કરે તો પુણ્યનો નાશ તથા ચોરી આદિનો દોષ માથે આવે. પુણ્યાર્થે કાઢેલું દ્રવ્ય કેમ વાપરવું?
તેમજ માતા-પિતા આદિ લોકોની આયુષ્યની છેલ્લી ઘડી આવે ત્યારે જો તેના પુણ્યને અર્થે દ્રવ્ય ખરચવાનું હોય તો, મરનાર માણસ શુદ્ધિમાં છતાં ગુરુ તથા સાધર્મિક વગેરે સર્વ લોકોની સમક્ષ મરનારને કહેવું કે, “તમારા પુણ્યને અર્થે આટલા દિવસની અંદર આટલું દ્રવ્ય હું ખરચીશ. તેની તમે અનુમોદના કરો.” એમ કહી તે દ્રવ્ય કહેલી મુદતમાં સર્વલોકો જાણે એવી રીતે ખરચવું. પોતાના નામથી તે દ્રવ્યનો વ્યય કરે તો પુણ્યને સ્થાને પણ ચોરી આદિ કર્યાના દોષ આવે. પુણ્ય સ્થાનકે ચોરી વગેરે કરવાથી મુનિરાજને પણ હીનતા આવે છે. કહ્યું છે કે જે માણસ (સાધુ) તપ, વ્રત, રૂપ, આચાર અને ભાવ, એની ચોરી કરે તે કિલ્બિષી દેવતાનું આયુષ્ય બાંધે. સાધારણ દ્રવ્ય વાપરવામાં વિવેક.
મુખ્યવૃત્તિએ વિવેકી પુરુષે ધર્મખાતે કાઢેલું દ્રવ્ય સાધારણ રાખવું. તેમ કરવાથી ધર્મસ્થાન બરાબર જોઈને પછી તે ઠેકાણે તે દ્રવ્યનો વ્યય કરી શકાય છે. સાતે ક્ષેત્રમાં જે ક્ષેત્ર સીદાતું હોય તેને સહાય આપવામાં બહુ લાભ દેખાય છે. કોઈ શ્રાવક માઠી અવરથામાં હોય અને તેને જો તે દ્રવ્યથી સહાય કરાય તો તે શ્રાવક આશ્રય મળવાથી ધનવાન થઈ સાતે ક્ષેત્રોની વૃદ્ધિ કરે એવો સંભવ રહે છે. - લૌકિકમાં પણ કહ્યું છે કે, હે રાજેન્દ્ર ! તું દરિદ્ર માણસનું પોષણ કર, પણ ધનવાન પુરુષનું કરીશ નહીં, કારણ કે રોગી માણસને જ ઔષધ આપવું હિતકારી છે પણ નીરોગી માણસને ઔષધ આપવાથી શું લાભ થવાનો ?” માટે જ પ્રભાવના, સંઘની પહેરામણી, દ્રવ્ય યુકત મોદક (લાડુ) અને લ્હાણા આદિ વસ્તુ સાધર્મિકોને આપવી હોય, ત્યારે નિર્ધન સાધર્મિકને સારામાં સારી વસ્તુ હોય તે જ આપવી યોગ્ય છે. એમ ન કરે તો ધર્મની અવજ્ઞા આદિ કર્યાનો દોષ આવે, યોગ હોય તો ધનવાન કરતાં નિર્ધન સાધમિકને વધારે આપવું; પણ યોગ ન હોય તો સર્વેને સમાન આપવું. " સંભળાય છે કે યમુનાપુરમાં જિનદાસ ઠકુરે ધનવાન સાધર્મિકને આપેલા સમકિત મોદકમાં એક એક સોનૈયો અંદર નાંખ્યો હતો, અને નિર્ધન સાધર્મિકને આપેલા મોદકમાં બે બે સોનૈયા નાંખ્યા હતા. ધર્મ ખાતે વાપરવા કબૂલ કરેલું સર્વ દ્રવ્ય તે જ ખાતે વાપરવું જોઈએ.
૧૫