________________
વૃક્ષને ઘસડાઈ વહેતી સરસ્વતીના જળમાં વૃક્ષના મૂળમાં ફસાઈ તેણે પ્રાણ છોડ્યા. તે સમયે સરસ્વતીના કાંઠે અનેક ઋષિ-મુનિઓ પ્રાત: સ્નાન સંધ્યામાં વ્યસ્ત હતા. એકાએક આકાશ તરફથી દુંદુભિયોના મધુર અવાજ સંભળાયા. આ શું-શું છે ના આશ્ચર્યજનક ઉચ્ચારોથી તેઓ આકાશ ભણી જોવા લાગ્યા એટલામાં તો ઘરઘરાટ કરતું એક વિમાન કિનારે ઉતરી પડ્યું. મરણ પામેલ વૃકી એક સુંદર દેવાંગનાનું રૂપ સજી વિમાનમાં ચડવા લાગી. ચડતાં ચડતાં વૃકીએ આ બ્રાહ્મણોને વંદન કરી કહેવા લાગી કે હે, તપસ્વીઓ. હું તો એક અધમ યોનિમાં જન્મેલ પશુ છું. પારઘીના બાણથી ઘાયલ થઈ પ્રાણ બચાવવા વિષ્ણુનું સ્મરણ કરતાં કરતાં આ જળપ્રવાહમાં હું કૂદી પડી. સદ્ભાગ્યે આ પ્રવાહ સરસ્વતીનો હતો. સરસ્વતીના જળમાં તણાતાં તણાતાં શ્રીસ્થળના અશ્વત્થ વૃક્ષ સાથે વિંટળાઈ જળમાં મરણ શરણ પામી.
આ સરસ્વતીનાં જળ અને અશ્વત્થ વૃક્ષના સંયોગે મરણ પામવાથી મને આ સદ્ગતિ મળેલ છે. આપ તો સૌ ઉચ્ચ તપસ્વીઓ છો. આપની તો વાત જ શી, એવું કહેતાં કહેતાં તો વિમાન સરસરાટ આકાશ ભણી ઊડી ગયું. આ ભૂમિ એ જ સરસ્વતીના પશ્ચિમ કિનારે મોક્ષ પીંપળાનું સ્થાન છે. અશ્વત્થ વૃક્ષમાં વિષ્ણુનો વાસ છે. તેને બ્રહ્મ પીંપળો પણ કહે છે. આયુર્વેદમાં સંખ્યાબંધ રોગોમાં તેના મૂળ, છાલ, પાન, ફળ અને લાકડાના ઉપયોગો દર્શાવેલ છે. યજ્ઞોમાં તેનું સૂકું લાકડું સમીધ તરીકે વપરાય છે. પીપળાની વડવાઈ બાળકોની આંચકી ઉપર ઘસીને પાવાનો રામબાણ ઈલાજ ગણાય છે. તેનાં પાકાં ફળ હૃદ તથા શીતળ છે.
૩૨. પિંડ તારક તીર્થ
સરસ્વતીને પશ્ચિમ કિનારે અન્ય એક તીર્થ પિતામહોનું છે. આ અંગે એક પૂર્વોક્ત ઇતિહાસ જાણવા જેવો છે. શ્રીસ્થળની ધરતી પર ભૂમિમાં બહુ ઊંડે વિવર બનાવી હિરણ્યપાદ નામે એક અતિ બળવાન અસુર રહેતો હતો. તેણે ક્રૂર હિંસક કૃત્યોથી ચોમેર ભય અને ફડફડાટનું સામ્રાજ્ય ફેલાવી દીધું હતું. ભલભલા મહાબલી પણ તેની સન્મુખ જવાનું ટાળી આડી વાટે પલાયન થઈ જતા હતા.
આ અસુરે બ્રહ્માનું ઉગ્ર તપ આદરી તેમની પ્રસન્નતાથી એક યુક્તિપૂર્વકનું વરદાન મેળવી લીધું હતું. આ વરદાનને પરિણામે જે કોઈ પુરુષ તેની સન્મુખ આવી જતો તે સ્ત્રી બની જતો હતો. આ વરદાનથી તે નિર્ભયપણે આતંક ફેલાવતો હતો. આ નિરંકુશ સમાજશત્રુના વિનાશનું કામ એકલા બળથી બર આવી શકે તેમ નહોતું. તમામ દેવો શૂન્ય મનસ્ક બની ગયા હતા. ભયના ગભરાટથી શ્રીસ્થળની ભૂમિ વેરાન જેવી બની ગઈ હતી.
દેવોની પ્રાર્થનાથી વિષ્ણુએ આ અસુરનો ખાત્મો બોલાવવાનો નિર્ધાર કર્યો. વિષ્ણુ પણ તેને મળેલ વરદાનથી વાકેફ હતા. સમ્મુખ કે પીઠ પાછળ પણ પ્રહાર કરી મારવાનું જોખમ તે જાણતા હતા. ખૂબ મનોમંથન બાદ ભગવાને એક ઉપાય ગોતી કાઢ્યો.
૨૮