________________
વિષ્ણુએ કુંભકુક્ષી નામના એક પર્વતને ઉખાડી સાથે લીઘો. મધ્યરાત્રિના સમયે * આ અસુર જ્યારે તેના વિવર (ગુફા)માં ઘસઘસાટ ઊંઘની મજા માણતો હતો તે સમયે વિષ્ણુ કુંભકુક્ષીને લઈ તેના વિવરના દ્વારે પહોંચ્યા. નસકોરાની ઘરઘરારીટીનો અવાજ સાંભળી ઉચિત અવસર સમજી કુંભકુક્ષીને વિવરના મુખ પર મજબૂત ઢાંકણની જેમ ગોઠવી દીધો. બહારની શુદ્ધ હવાના અભાવે અસુર ઊંઘમાં જ ગુંગળાઈ વિવરમાં જ તેના રામ બોલાઈ ગયા.
અત્યંત ચતુરાઈથી કરાએલી આ અસુરની હત્યાના સમાચાર પવનવેગે ચોમેર પ્રસરી ગયા. ભગવાનની યુક્તિ-પ્રયુક્તિવાળા પરાક્રમોની સર્વત્ર પ્રશંસા થવા લાગી. ફરી નિર્ભયતા અને પ્રસન્નતાના વાતાવરણે સાત્વિક પરિબળોમાં નવું જોમ પૂર્યું. સૌ કોઈ પ્રસન્ન થયા પણ આવા નિંઘ કામ માટે પોતાના ઉપયોગ બદલ કુંભકુક્ષી ઉદાસ બન્યો. જેના ઉપર ઋષિ-મુનિ તપ કરી તેને પવિત્ર બનાવતા હતા તે કુંભકુક્ષી મલીનતાના આવરણમાં છવાઈ ગયો. તેને લાગ્યું કે તે હવે સાવ અપવિત્ર અને અસ્પૃશ્ય જેવો બની ગયો. તેણે પોતાને પવિત્ર બનાવવા વિષ્ણુને પ્રાર્થના કરી. વિષ્ણુએ તેની મનોવેદના સમજી તેને પુન: પવિત્ર બનાવવા તે સ્થાન ઉપર પિતામહોનો યજ્ઞ કરવા બ્રહ્માને સુચવ્યું. બ્રહ્માએ આ સ્થાન ઉપર પિતામહોની સ્થાપના કરી યજ્ઞ કર્યો અને આ સ્થાન ઉપરથી જ પિંડ ગ્રહણ કરવા પિતામહોને આદેશ આપ્યો.
પિતામહોની સ્થાપના દ્વારા કરાયેલા આ યજ્ઞથી શ્રીરથળની આ ભૂમિ પિંડતારક તીર્થ બની. આ સ્થાનમાં કરાએલી શ્રાદ્ધ ક્રિયાઓથી પિતૃઓ અક્ષય પ્રસન્નતા અનુભવે છે. સૌ કોઈ જાણે છે કે દશા-એકાદશાના શ્રાદ્ધ કર્મો નદી કિનારે જ થાય છે. આ સ્થાન સરસ્વતીના પશ્ચિમ કિનારે પશ્ચિમ-દક્ષિણે આવેલું છે. કૈલાસ ભૂમિ તરીકે અહીં સુખ્યાત છે. તેના કુવાના કોપરાના પાણી જેવા નિર્મળ અને મધુર જળથી સિદ્ધપુરવાસીઓ તૃપ્ત-તૃપ્ત બનેલા છે.
૩૩. મહાલય તીર્થ શ્રીસ્થલમાં રૂદ્રનો પણ વાસ છે. મહાદેવના વાસને કારણે આ ભૂમિને મહાલય તીર્થ કહે છે. મહાલય તીર્થના સંબંધમાં એક પ્રાચીન ઇતિહાસ મળી આવે છે.
ભયાનક હિંસક ક્રત્યો માટે કુખ્યાત હિરણ્યપાદની વિષ્ણુ દ્વારા યુક્તિપૂર્વક કરાએલી હત્યાથી ભયભીત થઈ તેનો પુત્ર મહારાવ શ્રીસ્થલ છોડી લંકાના રાજા પૌલત્સયને આશ્ચયે ભાગી ગયો. ત્યાં તેને સમુદ્રની ચોકીનું કામ મળયું. લંકાના એક બળવાન અસુર પરના પુત્ર મકરાક્ષની જાંભુ નામે એક કન્યા સાથે તેનો વિવાહ થયો દર્ભની સળીયો જેવા ઊભા કાળા બરડ વાળ, બિહામણો ચહેરો અને મદોન્મત હાથીની જેમ ઉત્પાત મચાવનાર બર્બરક નામે અસુર આ મહારવનો જ્યેષ્ઠ પુત્ર હતો. મોસાળમાં ઉછરતાં તેણે એક દિવસ પૂર્વજોના વતન અંગે માતાને પ્રશ્ન પૂછ્યો.