________________
પ્રાચીન ઇતિહાસ તો શ્રીસ્થલ અર્થાત સિદ્ધપુર સાથે સંબંધિત છે એવા પ્રમાણો પુરાણગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે. કપિલ રૂપે વિષ્ણુના અવતાર તેમજ પુત્રરૂપે માતાના મોક્ષધામ તરીકે સિદ્ધપુર સમસ્ત દેશમાં પુરાણ પ્રસિદ્ધ સ્થાન છે.
કપિલ મુનિ દ્વારા માતાના મોક્ષની પ્રાચીન પરમ્પરા અનુસાર દેશના ખૂણેખૂણેથી યાત્રાળુઓ માતાના ગયા શ્રાદ્ધ માટે પિંડ પ્રદાન કરવા પ્રતિવર્ષ આવે છે અને પોતાના પિતૃઓને સંતોષી અનહદ પ્રસન્નતા અનુભવે છે.
પૂર્વે પરશુરામે માતૃત્યાના દીષ્ટ નિવારણ માટે શ્રીસ્થલની સરસ્વતીના કાંઠે આવેલ અલ્પા સરોવ૨ ઉપર ઉગ્ર તપ કરી પિંડ પ્રદાન દ્વારા માતૃત્યાનું પ્રાયશ્ચિત કર્યું હતું. મહાભારતના યુદ્ધમાં આચરાયેલી હત્યાઓના દોષનું પ્રાયશ્ચિત પાંડવોએ શ્રીસ્થલ વાસ કરી ત્રણ ઉપવાસ અને સરસ્વતી સ્નાન દ્વારા કર્યાના ઉલ્લેખો મળી આવે છે.
ભાદ્ર, કારતક અને ચૈત્ર મહિના શાસ્ત્ર અનુમોદિત પિતૃકાર્યના મહિનાઓ ગણાયા હોઈ તે સમયે અસંખ્ય યાત્રાળુઓ અહીં આવી માતાને પિંડ પ્રદાન કરે છે. સરસ્વતીના જળથી દેહશુદ્ધિ પ્રાયશ્ચિત, બિન્દુસરોવરમાં સ્નાન પિંડ પ્રદાન અને દાન વિ. કાર્યોથી પિતામહોને સંતોષી તેમની પ્રસન્નતા મેળવવાનો પુરૂષાર્થ આજ પર્યંત લગાતાર ચાલુ છે.
દેશના કોઈ પણ પ્રદેશમાં વસતી માતાની અંતિમ એક માત્ર અભિલાષા મરણબાદ સિદ્ધપુરમાં માતૃ ગયા શ્રાદ્ધ દ્વારા પુત્ર પાસેથી પિંડ ગ્રહણ કરવાની રહે છે. કારતક માસમાં પાટણ-ડીસા- વગેરે પરગણાઓમાં વસતો વિશાળ મોદી સમાજ અહીં સરસ્વતીના તીરે ધાર્મિક વિધિ-વિધાન યોજવા પ્રતિવર્ષ આવે છે. જેને અહીં મુખાદ કહે છે. કારતક સુદ અગીયારસથી પુનામ સુધીના ભીષ્મપંચક પર્વ સમયે તો લાખો યાત્રાળુઓ મેળાના સ્વરૂપમાં એકત્ર થઈ સ્નાન-દાન અને પિંડપ્રદાન કરી પિતૃઓને સંતોષવાનો આનંદ અનુભવે છે. ગ્રામજનો વિવિધ શ્રાદ્ધકર્મો અને બ્રહ્મભોજન તથા દાન આપી પોતાના ગોર લોકોને ધનધાન્ય આપે છે, દેવદર્શન કરી દેવમંદિરોમાં પણ પોત પોતાની શક્તિના અનુપાતમાં અર્જિત સંપત્તિનો હિસ્સો મદાન કરે છે.
ગુર્જર નરેશ મહારાજા મૂળરાજે પણ આ પ્રાચીન તીર્થના ગૌરવને પુન; પ્રસ્થાપિત કરવાના આદરેલા પુરૂષાર્થથી તો ગુજરાતના ઇતિહાસના પાનાંઓ ભરાયેલાં છે વેદરક્ષક બ્રાહ્મણોના આ નગરને જે એક્વીસ પરિવારોને એકવીસ પદ આપી સન્માન કરેલું છે તે પરિવારો પોતાની અટક સાથે આજે પણ પદને જોડે છે. આ પદોમાં સર્વ પ્રથમ પદ ઋગ્વેદ અને ભાર્ગવ ગોત્રની આશ્લાયલ-સાંખ્યયિની શાખાના વિદ્વાન દવે પરિવારોને મળેલું છે.