________________
છે. દેવહૂતિની મોક્ષભૂમિ છે. શ્રીસ્થલની ભૂમિ પર આઠ ઇતિહાસો રચાયા છે. અહીં સરસ્વતી પ્રાચીમાંથી વહન કરતી આવે છે. આ ભૂમિ પર અતિ પ્રાચીન સમયનું પિંડતારક તીર્થ છે. અહીંથી પિંડ ગ્રહણ કરી પિતામહો પ્રસન્નતા મેળવે છે. માતા દેવહૂતિના મોક્ષને કારણે માતાના પિંડ પ્રદાન માટે દેશભરના શ્રદ્ધાળુઓ હજારોલાખોની સંખ્યામાં માતૃગયા શ્રાદ્ધ માટે પ્રતિવર્ષ અહીં આવે છે. આ ભૂમિ માતૃગયા તીર્થ તરીકે સુપ્રસિદ્ધ છે. પ્રાચીન મહાલય તીર્થ હોવાના કારણે ગુર્જર નરેશ મહારાજા મુળરાજે બારમાં સૈકામાં અહીં રૂદ્રમહાલય બનાવ્યો હતો. પવન આક્રમક અલાઉદ્દીન ખિલજીએ ઈ.સ. ૧૩૦૭માં તેને તોડી પડાવેલ. આજે તેના નામશેષ અવશેષો મૌજુદ છે. આ રીતે સિદ્ધપુર એક પ્રાચીન તીર્થક્ષેત્રનું મહત્ત્વ ધરાવતી ઐતિહાસિક નગરી છે.
પ્રભાસ શ્રીસ્થળ પછી પ્રાચી સરસ્વતીનું સુવિખ્યાત તીર્થ પ્રભાસ છે. નિસ્તેજ ચન્દ્રને પૃથ્વી પર અમૃતવર્ષા માટે શિવ અહીં તેને પ્રભાનું દાન કર્યું હતું. આ માહાભ્યને લઈ આ ભૂમિને પ્રભાસ ક્ષેત્ર કહે છે. ગરજતા-ઉચળતા મહાસાગરને જોઈ કર્તવ્યપૂર્તિના આનંદમાં આવી પ્રસન્નચિત્ત સરસ્વતી અહીં પાંચ પ્રવાહોમાં વહેતી થઈ. પોતાના તગડા ભક્ષ્યને જોઈ પુલક્તિ થઈ મોહવશ બનેલ વડવાનલે પોતાની કાર્ય સિદ્ધિમાં સહાયક સરસ્વતીને યથા ઉમ્મીદ વરદાન મેળવવા હુંક્કાર કર્યો. ઉપસ્થિત વિષ્ણુની સલાહ અનુસાર સરસ્વતીએ એક સોયના છિદ્ર જેટલા મુખથી જળદેવનું ભક્ષણ કરવા વચન માંગી લીધું. ચન્દ્રને જ્યોતિ આપવા પ્રકટ સોમનાથ મહાદેવ અને વડવાનલ નિમિત્ત સરસ્વતી અને સર્વદેવોની ઉપસ્થિતીને કારણે પ્રભાસ પૃથ્વી પરનું એક સર્વશ્રેષ્ઠ તીર્થ બન્યું. આ તીર્થ સૌરાષ્ટ્રનું એક સુપ્રસિદ્ધ તીર્થ અને ઐતિહાસિક નગરી છે. પ્રતિવર્ષ લાકો યાત્રાળુઓ અહીં આવે છે.