________________
આ વનસૃષ્ટિમાં વસતાં સર્વ જીવો સમાનપણએ તેનો ઉપયોગ કરવા સ્વતંત્ર છે. સાર્વભૌમત્વના અધિકારી છે. કોઈનો ઓછો કે વત્તો અધિકાર પડ્યો ત્યાં પ્રચલિત જ નથી.
અરિષ્ટનેમિએ જે મનુષ્ય સૃષ્ટિમાં જોયેલું તેનાથી વિપરીત વાતાવરણ અહીં તેને માણવા મળયું. આ વનસૃષ્ટિ તો તેના સર્વ જીવોને કહે છે કે આ ધન સૌનું સહિયારું છે. જે તેના સ્રષ્ટા ઈશ્વરનાં સંતાનો છે. સૌ સરખા માલિક, સરખા હક્ક અને જરૂરિયાત મુજબ સરખા હિસ્સાના સૌ ભોક્તા છે. આ વનસૃષ્ટિમાં અરિષ્ટનેમિને ખપ પૂરતા ઉપયોગનો સમાન અધિકાર ભોગવતાં પશુ-પક્ષીઓના દર્શનથી બહુ જ આનંદ થયો. અકલ્પિત આનંદ થયો.
તેણે એ પણ વિચાર્યું કે મનુષ્ય જેવી સંગ્રહવૃત્તિના શિકાર આ પશુ-પક્ષીઓ બન્યાં હોત તો બળિયાના બે ભાગ જેવું અહીં પણ થાત. જો તેઓ વીણી વીણીને ભેગું કરવાના પુરુષાર્થમાં લાગી જાય તો આ રળીયાણી વનસૃષ્ટિ માથાની ટાલ જેવી બની જાય. અરિષ્ટનેમિ ને મનુષ્ય સૃષ્ટિના દુખોના મૂળમાં આ વૃત્તિ જ દેખાઈ.
- ઇન્દ્રિયોના વિષયોના સુખો ભોગવવાના સ્વાર્થી ચિંતનમાંથી વિવિધ લાલસાઓ જન્મે છે. લાલસાઓ પૂર્ણ કરવાના પુરુષાર્થમાં જ સંગ્રહવૃત્તિ જન્મે છે. આ સંગ્રહવૃત્તિના પરિણામે ભેદ સર્જાય છે. ભેદમાંથી રાગદ્વેષ જન્મે છે. રાગદ્વેષ વિવિધ ઝગડાઓનું જન્મસ્થાન છે.
બ્રહ્મવિદ્યાનું ચિંતન એ ભોગના વિષયોનું ચિંતન નથી. આ બ્રહ્માંડ અને તેના સ્રષ્ટાના દર્શનનું ચિંતન છે. નાના બાળકને જેમ એકડો શિખવા પાટીપેનની જરૂર રહે છે. એકડો ઘૂંટાડવા જેમ ગુરુની જરૂર રહે છે. એકડો શિખવા જેમ પાકા મનની જરૂર રહે છે તેમ બ્રહ્મવિદ્યાના અભ્યાસ માટે પણ આ બધાં સાધનોની જરૂર પડે છે. એકડો શિખ્યા પછી જેમ પાટી અને પેન છૂટી જાય છે તેમ આ અભ્યાસમાં પણ બને છે. જેમ બુદ્ધિમાન મનુષ્ય ધાન્યના પરાળને છોડી દઈ ધાન્યને જ પકડે છે તેમ આ માર્ગનો અભ્યાસી નિરર્થક મથામણો છોડી દે છે. સંસારની માયા માટેની મથામણો છુટી જવાથી ઈશ્વરદર્શન થશે પણ તેને જોવાની દૃષ્ટિ બીજી હશે. આ આંખ તો ઈશ્વરે સંસારના દર્શન માટે મનુષ્યને આપેલી છે આત્મસાક્ષાત્કારરૂપી જ્ઞાનનું ત્રીજું નેત્ર ખૂલવાથી અંદરનો જીવ જ શિવરૂપ દેખાશે.
અરિષ્ટનેમિના ઉગ્ર તપથી ઇન્દ્ર અકળાઈ ગયો. ઇન્દ્રિયોના સ્વામીને ઇન્દ્ર કહે છે. ઇન્દ્ર અરિષ્ટનેમિના ઇન્દ્રિય નિગ્રહના આ તપને, તપના બળને તોડવા અને સ્વર્ગના સુખો માટે લલચાવવા એક દૂત મોકલ્યો.
દુતઃ સ્વર્ગના સ્વામી ઇન્ડે આપને સદેહે સ્વર્ગના સુખો ભોગવવા તેડી લાવવા માટે મને અહીં મોકલ્યો છે. ચાલો જલદી કરો. આ વિમાન તૈયાર છે. વિમાન અપ્સરાઓના સંગ અને સંગીતની મહેફિલ માટે સજાવાયેલું છે. માર્ગમાં પણ આપને આનંદ મળશે.