________________
આ નિયમ છે અનાયાસે પ્રાપ્ત સુખોનો આનંદ ઉઠાવાનો. અનાયાસે મળતા લાભ ભોગવવાનો. જે સુખો મળે તે આનંદથી માણવા અને અપ્રાપ્ય સુખોની લાલસાઓ છોડવાની ટેવ કેળવવી સુખોના ભોગ માટે સંકલ્પ વિકલ્પોના જાળામાંથી મુક્તિ મેળવવાનો અભ્યાસ મન પર પાડવો. સાંજે શું ખાઈશું, કાલે શું ખાઈશું તેની મથામણ ન કરતાં જે મળે તે પરમ પ્રેમથી ખાવું. રુચિ-ખરુચિના ભેદોથી મનને દૂર રાખવું. પદાર્થોનો સંગ મનને ન થવા દેવો એજ નિસંગપણું છે. એકાંત કે જંગલમાં જવું તે નિસગપણું નથી. માત્ર પદાર્થોના સંગનો રંગ મનને ન લાગે તેની સતત કાળજી લેવી તે નિસગપણાનું લક્ષણ ગણાય છે. વ્યક્તિઓના સંગથી દૂર રહેવું તે નિસંગપણું નથી; પણ તે સંગના દોષથી દૂર રહેવાની ક્રિયાને નિસંગપણું કહે છે.
અનાયાસ પ્રાપ્ત ભોગ ભોગવાના અભ્યાસથી મન નિસંગ બને છે. જ્યારે માણસ પાણીવાળી ભીની ધરતી પર ચાલે છે; ત્યારે લપસણા સ્થાનોથી છેટે ચાલે છે. સાચવીને ચાલે છે. લપસણી જગ્યાએ પણ સંભાળપૂર્વક પગ મૂકી ચાલે છે. વિકાસ માટે પુરુષાર્થ કરવો. પ્રાપ્ય સુખો ભોગવવાં અને અપ્રાપ્ય ભોગો ભોગવવા ફાંફા ન મારવા તે વૈરાગ્યની કેળવણી છે. આ કેળવણીથી ભોગો માટે મનનું નિસંગપણું પ્રાપ્ત થશે. નિસંગપણાની કેળવણીથી સંસારના સારા-નરસા ભાવો (વિચારો)નો અભ્યાસ છૂટી જશે.
નિસંગપણું કેળવવામાં વાતાવરણ પણ ભાગ ભજવે છે. કહે છે ને કે જેવો સંગ તેવો રંગ, સંગ બદલવા અરિષ્ટિનેમિ એક દિવસ રાતોરાત વનમાં ચાલી ગયો. જંગલનાં ઝરણાં, પહાડ, વૃક્ષો, વનસ્પતિ, પશુ, પક્ષીઓ, આકાશના તારલા, હરિયાળી ધરતી, સૂર્ય અને ચંદ્રના વૈભવો, વિવિધ સંધ્યાઓનાં દશ્યો, આરોગ્યપ્રદ હવામાન અને આહારવાળા આ નવા ઘરમાં અરિષ્ટનેમિને સંસારનું સર્વ રહસ્ય સમજાઈ ગયું. ઝરણાંના જળ અને કંદમૂળ ફળ-ફળાદિએ તેની આહારની તૃષ્ણાઓ શમાવી દીધી. વલ્કલ વસ્ત્રોએ દેહના શણગારની આકાંક્ષાઓ પર પૂર્ણ વિરામ મૂકી દીધો. વનસૃષ્ટિએ તેના ચિંતનની દિશા જ બદલી દીધી.
ઉપર આકાશ અને નીચે ધરતી. ધરતી પરના વૃક્ષોના સાનિધ્યથી તેને જે જોવા મળ્યું; જાણવા મળ્યું; તે બધું જ અદ્દભુત અને નિરાળું હતું. તેણે જોયું કે પક્ષીઓ ઝાડ પર બેસે છે. સૂએ છે. તે ફળ ફુલો ખાય છે. રાત્રે સુવે છે. પણ આ મારું કે તારે એવા વિવાદમાં કોઈ ઝગડતું નથી. કોઈ કોઈની બથામણી કરતું નથી. જેને જ્યાં જવું હોય ત્યાં જાય છે. જે મળે છે તે પ્રેમથી ખાય છે. ક્યાંય કોઈનું મકાન નથી. રસોઈઘર નથી. પાણીયારું નથી. શયનખંડ નથી બેઠકખંડ નથી. મારા પણાની જ્યાં એક પણ ચીજ નથી તે વનસૃષ્ટિ સૌને સૌના પ્રમાણમાં સરખો આનંદ લૂંટાવે છે.
અરિષ્ટનેમિએ જોયું કે ત્યાં કોઈ બજાર નથી. જ્યાં વેચાતું લેવાનો કે વેચવાનો સવાલ જ ન હોય તે વનસૃષ્ટિ પાસે પણ અઢળક સંપત્તિ છે. અઢળક પદાર્થો છે.
(૧૨૨