________________
સિદ્ધક્ષેત્રમાં જઈએ તો ત્યાં એકલા બેસી રહેવાનું ? ને જોયા જ કરવાનું? પણ એ કલ્પનાની વસ્તુ નથી, ત્યાં કલ્પનાથી પર નવી જ જાતનું છે.
પોતે આત્મા થયો, ચોખ્ખો થયો પછી તો પોતે જ પરમાત્મા થયો. પછી એને કોઈ જોડે એટેચમેન્ટ રહે જ નહીં. આ એટેચમેન્ટ તો અજ્ઞાનતાને લઈને છે. જડ વસ્તુને હું છું' એવું પોતે માને છે, તેથી જડ વસ્તુ ખેંચાય છે. દેહ છે તો એટેચમેન્ટ-ડિચેટમેન્ટ થાય. દેહથી છૂટા પડ્યા પછી દેહમાંય એ ના થાય. મૂળ તત્ત્વ બધાથી છૂટું પડી જાય, પછી એ કશું ના હોય. ત્યાં સિદ્ધક્ષેત્રમાં તો દેહેય ના હોય. ત્યાં પરમ જ્યોતિ સ્વરૂપમાં રહેવાનું. પોતાના સુખમાં જ રહેવાનું.
શું સિદ્ધક્ષેત્રમાં ઓળખે કે આ મારા હસબન્ડ કે આ મારી વાઈફ ? આ તો મન-વચન-કાયાના કપડાંને લીધે, આ રિલેટિવને લીધે હસબન્ડવાઈફ સંબંધો છે. ત્યાં રિલેટિવ જ નથી રહ્યું, રિયલ જ રહ્યું. રિયલમાં આવું કશું હોય નહીં. દાદાશ્રી કહે છે કે અમને આ દેહથી છુટા પડી ગયા પછી સંસારમાં કોઈ વસ્તુ અડે નહીં. સ્ત્રી-પુરુષનો ભેદેય રહ્યો નથી, એવો વિચારેય ના આવે તો ત્યાં તો છેલ્લી દશા, ભગવાન !
જેનાથી આ સંસારના સંબંધો બંધાય છે તે રાગ-દ્વેષ છે. તે જેને આ સંબંધ બંધાવાની ચીજ રાગ-દ્વેષ ખલાસ થઈ ગયા હોય, તે ત્યાં સિદ્ધગતિમાં જતા રહે. સંસારમાં સગાસંબંધીના સંબંધ તે ખરેખર બીજો કોઈ સંબંધ જ નથી, આ તો રાગ-દ્વેષના જ સંબંધ છે.
કેવળ સ્થિતિ તો અહીં સંસારમાં થાય છે. પછી એ ચરમ દેહ છૂટે તો ત્યાં સિદ્ધ થાય. ત્યાં કેવળ સ્થિતિ ના કહેવાય, સિદ્ધ કહેવાય.
કેવળજ્ઞાન તો અહીં દેહધારી છે ત્યાં સુધી કહેવાય, દેહ છૂટ્યા પછી ના કહેવાય. કારણ કે અહીં દેહધારી છે, આટલા સંજોગોમાંય પોતે કેવળજ્ઞાનમાં રહે છે. કેવળજ્ઞાનની સત્તા એવી છે કે પોતાને શુદ્ધ ઉપયોગમાં રાખે છે. શુદ્ધ ઉપયોગનું બળ એટલું બધું છે કે ગમે તેવા સંજોગો હોય તોય એમને વાંધો ના આવે. સંજોગ એ દબાણ છે. સંજોગો એમને ગમતા નથી. એટલે એમને બહુ શુદ્ધ ઉપયોગ રાખવો પડે. પણ પછી છેવટે પોતાને સિદ્ધ દશા ઉત્પન્ન થાય છે, ત્યાં સ્વાભાવિક દશા છે.
94