________________
અક્રમ જ્ઞાન છે એટલે આજ્ઞાપૂર્વક રહેતા જ કારણ મોક્ષ થાય. આજ્ઞા ના પાળે તો અવતારો વધીયે જાય.
બે જાતના આવરણ : એક સમસરણ માર્ગનું આવરણ અને બીજું કર્મોનું આવરણ. સમસરણ માર્ગનું આવરણ તૂટે, પછી કર્મો ખપે તો મોક્ષ થાય. અક્રમ વિજ્ઞાને સમસરણ માર્ગનું આવરણ તોડી આપ્યું. હવે કર્મોના ગોડાઉનનો ભરેલો માલ છે, એ સમભાવે નિકાલ થઈ જાય તો મોક્ષ થાય.
સમસરણ માર્ગમાં દરેક માઈલ આવરણ જુદા જુદા હોય. ગમે તેટલા કર્મો ખપાવે છતાં સમસરણ માર્ગનું આવરણ ના તૂટે તો મોક્ષ ના થાય. અક્રમ માર્ગમાં સમસરણ માર્ગનું આવરણ તૂટે છે. જેમ ડબ્બો અને એન્જિન વચ્ચેનો આંકડો કાઢી લીધો, પછી એન્જિન છૂટું થઈ જાય, ડબ્બા પડી રહે.
સમસરણ આવરણ એ અજ્ઞાભાવ છે અને જ્ઞાન પછી પ્રજ્ઞાભાવ પ્રગટ થઈ જાય છે. આત્મા આત્માની જગ્યાએ છે અને ખપાવાના કર્મો, કર્મોની જગ્યાએ છે.
પાંચ ઈન્દ્રિયોમાં વૃત્તિ વિના જીવન જીવે તે વ્યવહારનયથી મોક્ષમાર્ગ. વ્યવહારનયથી ચંદુભાઈ અને નિશ્ચયનયથી પોતે શુદ્ધાત્મા. એ ભાન થયા પછી પોતે જ્ઞાતા-દ્રષ્ટા પદમાં રહે, એ નિશ્ચયનયથી મોક્ષમાર્ગ.
ક્રમિક માર્ગ એટલે બહારથી ચોખ્ખું કરીને અંદર આવવાનું. પાંચ ઈન્દ્રિયોના વિષયમાંથી વૃત્તિ વાળવી બહુ મુશ્કેલ. આ તો અક્રમ વિજ્ઞાન પ્રાપ્ત થયું એ મહાન ગાઢ પુણ્ય. અગાધ ઊંચાઈએ દાદા કૃપાએ પહોંચ્યા છે. જ્ઞાન મળતાની સાથે અંદરનું ચોખ્ખું થઈ જાય છે. હવે બહાર એની મેળે ચોખ્ખું થયા કરે. સર્વ દુઃખોથી મુક્તિ થયા કરે. અક્રમ જ્ઞાનની અદ્ભુત બલિહારી છે આ તો !
જ્ઞાન મળતાની સાથે પોતાને શુદ્ધાત્મા પદને પ્રાપ્ત થાય છે. આત્મા પોતાના સ્વભાવમાં આવે અને જ્ઞાતા-દ્રષ્ટા પદમાં રહે એ ખરું આત્મચારિત્ર. એ ચારિત્ર વિના મોક્ષ નથી. પોતે જ્ઞાતા-દ્રષ્ટા પદમાં રહે, એ જ સર્વ દુઃખોથી મુક્તિનું કારણ. પછી નિર્વાણ થાય એટલે આત્યંતિક મોક્ષ.
88