________________
સ્વયં પ્રકાશ ના હોય તો પરપ્રકાશ, બુદ્ધિ તો છે જ ને ! એ સંસારની બહાર નીકળવા ના દે. સંસારનું જે જ્ઞાન જાણે તેમાંથી બુદ્ધિ ઉત્પન્ન થાય અને આત્માનું જ્ઞાન જાણવાથી જ્ઞાન ઉત્પન્ન થાય. એ જ્ઞાન સ્વયં પ્રકાશિત હોય, સ્વ-પર પ્રકાશક હોય.
સૂર્યનો પ્રકાશ, જે પ્રકાશથી છાંયડો પડે, એ બધા પૌદ્ગલિક પ્રકાશ કહેવાય. આત્માના પ્રકાશને છાંયડો ના હોય. એનો પ્રકાશ જુદો છે. સૂર્યનારાયણને પ્રકાશ કરાવનાર જ આ આત્માનો પ્રકાશ છે ને !
જગતના બધા પ્રકારના પ્રકાશ જ્ઞેય છે અને આત્માનો પ્રકાશ જ્ઞાતા છે, તે જ પોતે છે.
આ સૂર્યનો પ્રકાશ છે કે ફલાણાનો પ્રકાશ છે, એ જે જાણે છે તે જ આત્માનો પ્રકાશ.
સૂર્ય-ચંદ્ર જે પ્રકાશ આપે છે તે એમના પુદ્ગલનો પ્રકાશ છે, આંખે દેખાય તેવો આત્માનો પ્રકાશ ના હોય. હા, આત્માની હાજરી છે મહીં, તો આ પ્રકાશ છે.
આત્મા તો સ્વ-પર પ્રકાશક, પોતાનેય પ્રકાશમાન કરે અને બીજાનેય પ્રકાશમાન કરે. કેરીને શેયરૂપે જુએ. શેયને જોવામાં પોતે પરિણમે છતાં પોતે તન્મયાકાર ના થાય. આ પ્રકાશ પોતે જ ચેતન છે.
અજવાળું હોય તો આંખોથી દેખાય, પણ આત્માનો પ્રકાશ ઓર જાતનો છે. એમાં વગર અજવાળે અને ઈન્દ્રિયોના આધાર વગર દેખાય.
આ જ્ઞાન પૂરું થાય ને સંપૂર્ણ દશા થાય તો કેવળજ્ઞાન થાય, તો આખા લોકને પોતે પ્રકાશમાન કરી શકે.
અનંત અવતારનું અંધારું એટલે અજ્ઞાનરૂપી અંધારું ગયું અને આત્મજ્ઞાન થયું એટલે પ્રકાશ થયો. ભાન થયું કે આ શું છે બધું. આય પહેલા સમજમાં આવે. સમજ એ દર્શન છે. પછી જ્ઞાનમાં આવે એ પ્રકાશ છે. પ્રકાશ એકનો એક જ, પણ અમુક ભાગમાં એને સમજવાળું કહેવાય અને અમુક ભાગમાં એને જાણવાળું કહેવાય.
જ્ઞાનરૂપી પ્રકાશમાં બધું જગત બેઠા બેઠા દેખાય. જ્ઞાન એ જ પ્રકાશ
52