________________
ભગવાન તો કહે છે, તારે મોક્ષે જવું હોય તો મને સંભાર ને જો ભૌતિક સુખો જોઈતા હોય તો વ્યૂ પોઈન્ટમાં પડ. વાસ્તવિક જોઈતું હોય તો મને ઓળખ ને ફેક્ટમાં આવ.
એમના પ્રકાશ સિવાય કોઈ એવો પ્રકાશ જ નથી કે જેનાથી લોકો પોતાનું ધાર્યું કરી શકે, પોતાની ઈચ્છા પૂરી કરી શકે. એ પ્રકાશ જેટલો વખત પ્રાપ્ત થાય તો પોતાને આનંદ થાય ને પ્રકાશ ઓછો થયો, અંધારું થયું કે મહીં ચિંતા-ઉપાધિઓ થાય.
આત્મા એ જ ભગવાન અને આત્મા એટલે જ સેલ્ફ, પોતાની જાત. એ જાત શું છે ? એ શેની બનેલી છે ? પ્રકાશની જ્યોતિ જ છે. એ તત્ત્વ સ્વરૂપ છે. એ પ્રકાશ અવિનાશી છે અને જગતના પ્રકાશ વિનાશી છે. આ ઓર જાતનો પરમાત્મ પ્રકાશ છે !
બે જાતના પ્રકાશ : એક બુદ્ધિરૂપી પ્રકાશ, એ અજ્ઞાનપ્રકાશ છે અને બીજો જ્ઞાનરૂપી પ્રકાશ. જ્યાં બુદ્ધિ ખલાસ થઈ ગઈ હોય, તે જે જ્ઞાન છે તે જ પ્રકાશ છે, તે જ આત્મા છે. પ્રકાશ સિવાય બીજી કોઈ વસ્તુ જ નથી આત્મા.
ઘડામાં હજાર વોટનો બલ્બ મૂકો, પછી ઘડો ફોડી નાખીએ તો લાઈટ રૂમમાં ફેલાય, તે પાતળું થતું જાય. જ્યારે આત્માનું લાઈટ તેના તે જ રૂપે રહે, તે પાતળું ના થાય. એ પ્રકાશથી જ આ જગત ચાલી રહ્યું છે.
ક્રોધ-માન-માયા-લોભરૂપી બધી નબળાઈઓ ખલાસ થાય ત્યારે આત્માનો પ્રકાશ અનુભવમાં આવે.
દીવાનો પ્રકાશ છે તેમાંથી ગરમી કાઢી નાખો, પછી બીજું બધું કાઢતા કાઢતા જે છેલ્લો રહે તે પ્રકાશ કહેવાય. જે દઝાડે નહીં, બાળી ના મેલે એવો આત્માનો પ્રકાશ છે. એ પોતે જ સ્વયં પ્રકાશિત છે.
આત્મા એ જ પોતાના નિજસ્વરૂપનું જ્ઞાન છે. એ કેવળજ્ઞાન સ્વરૂપ છે. તેમાંથી પ્રકાશ ઉત્પન્ન થાય છે એ બધો સ્વયં પ્રકાશ છે.
જ્ઞાન સ્વયં પ્રકાશિત છે અને આત્મા પણ સ્વયં પ્રકાશિત છે. તે છેવટે એક જ વસ્તુ માટે છે કે એબ્સૉલ્યૂટ જ્ઞાન જ પ્રકાશ છે. એ પ્રકાશ નહીં મળવાથી છતે સુખે લોકો દુઃખ ભોગવે છે.
51