________________
ભગવાનનું સ્વરૂપ શરીરના આકારનું પણ પ્રકાશસ્વરૂપ, સૂક્ષ્મતમ આકાશ જેવું. આકાશમાં આમ હાથ કરે તો પોતાને કશું થતું નથી. આ લાઈટમાં હાથ વીંઝે તો લાઈટને કશું થાય ? એવું પોતાનું સ્વરૂપ છે.
ભગવાન એ આકૃતિ નથી, તેમ નિરાકૃતિ નથી. એ પ્રકાશસ્વરૂપ છે, જેને સ્થળની કે આધારની જરૂર નથી. એ પ્રકાશમય જ્યોતિસ્વરૂપ છે. આમ હાથમાં ઝાલીયે તો કશુંય ના આવે. એને કશું અડે નહીં એવું છે. ડુંગરની આરપાર નીકળી જાય, એવરલાસ્ટિંગ લાઈટ છે.
જેમ આકાશનું રૂપ દેખાતું નથી છતાં આકાશ છે એ હકીકત છે, એવો આત્મા આકાશ જેવો અરૂપી છે, પ્રકાશસ્વરૂપ છે. પણ જગતમાં જે અજવાળા-જ્યોતિ દેખાય છે, એવો પ્રકાશ ભગવાનનો નથી. કારણ કે એ અજવાળું પોતાને પ્રકાશમાન કરતું નથી. ભગવાનનું અજવાળું તો પોતાને અને પારકાને બધી વસ્તુને પ્રકાશ કરે છે. બહારના પ્રકાશમાં ચીજોને એક બાજુ પ્રકાશ હોય, તો બીજી બાજુનો ભાગ ના દેખાય. ત્યારે આ પ્રકાશમાં તો બધું ચોગરદમનું દેખાડે. ટૂંકમાં માણસની કલ્પના બહારનો આ પ્રકાશ છે.
મૂળ આત્માનું કાર્ય શું ? જીવમાત્રને પ્રકાશ આપી રહ્યો છે. એ મિકેનિકલ ચેતનને, અહંકારને પ્રકાશ આપી રહ્યો છે કે તારે અમારા પ્રકાશમાં વ્યવહારમાં જે કરવું હોય તે કર. તને અનુકૂળ આવે ત્યાં સુધી પૌદ્ગલિક ૨મત રમ, ભૌતિક રમત ૨મ અને ના પોષાય ત્યારે મારી પાસે તું આવજે. તને મારામાં સમાવી લઈશ.
દરઅસલ આત્મા આ દેહમાં પ્રકાશ જ આપે છે. એની હાજરીથી આ બધું ચાલે છે છતાં એ કર્તા નથી.
ભગવાનનો પ્રકાશ સૂર્યના પ્રકાશને જોઈ શકે પણ સૂર્યનો પ્રકાશ ભગવાનના પ્રકાશને જોઈ ના શકે.
ભગવાન અજવાળા સ્વરૂપ છે. એ અજવાળું પોતે જ આનંદસ્વરૂપ છે. એટલે ભગવાન અજવાળું અને આનંદ જીવમાત્રને આપ્યા કરે છે. બીજું કશું આપતાય નથી ને લેતાય નથી. જીવમાત્રમાં નિર્લેપ, નિરાળા અને દરેક જીવને હેલ્પ કર્યા કરે એવા ભગવાન છે.
50