________________
નિર્વિકલ્પીય પોતે છે અને અમુક સંજોગોને લઈને વિકલ્પી પણ પોતે જ થાય છે. એ સંજોગો ખસી જાય તો નિર્વિકલ્પી જ છે. મૂળ સ્થિતિમાં આવ્યો એટલે કલ્પ જ રહે.
નિશ્ચય આત્મા કલ્પતો નથી, વ્યવહાર આત્મા કલ્પે છે અને જેવું કલ્પે એવો પોતે થઈ જાય છે.
આ તો આત્મા સંસારમાં છે ત્યાં સુધી ‘કલ્પ’ કહ્યો પણ ત્યાં સિદ્ધક્ષેત્રે કલ્પસ્વરૂપ શબ્દ જ રહેતો નથી. જ્ઞાતા-દ્રષ્ટા-પરમાનંદ, તેય જ્યાં સુધી સંસારમાં દેહધારી છે ત્યાં સુધી. પછી તેય નહીં. સોનાને સોનું નામ આપનારેય કોઈ રહ્યું નહીંને પછી. પછી ત્યાં સિદ્ધક્ષેત્રે ભગવાન પોતે, સંપૂર્ણ સ્વરૂપ-સ્વભાવમાં આવી ગયા.
‘હું શુદ્ધાત્મા છું’ ભાન થયે એની કલ્પનામાં પોતે આવ્યો કે શુદ્ધ થતો જ જાય. આ જ્ઞાન પછી પોતાને ‘હું શુદ્ધાત્મા છું’ ભાન થાય છે અને હું ને મારું, સંકલ્પ-વિકલ્પ છૂટી જાય છે એટલે પોતે નિર્વિકલ્પી થાય છે.
‘હું ચંદુભાઈ છું’ એ જેવા ભાન સહિત બોલો છો એટલા જ ભાન સહિત ‘હું શુદ્ધાત્મા છું' બોલે તો નિર્વિકલ્પ.
અજ્ઞાન દશામાં ‘હું અજ્ઞાની છું, હું ક્રોધી છું,' એમ જેવી પોતે કલ્પના કરે તેવો થઈ જાય. ‘મને તાવ ચઢ્યો' તો તેવો થઈ જાય. જ્ઞાન પછી ‘ચંદુને તાવ ચઢ્યો’ બોલવું. ‘મને થયું’ એવું બોલાય નહીં, નહીં તો તેવી અસર થાય.
‘મને તાવ ચઢ્યો, મને નહીં મટે તો ?” તો એવું થઈ જાય. અને ‘મને મટશે જ, મારા માથે દાદા છે, મને કશું જ ના થાય,' તો તેવું. આ તો કલ્પનાથી ભયને લીધે માણસ ખલાસ થઈ જાય છે.
આત્માના મૂળ દ્રવ્યને એના પર્યાયને કશાને અસર થતી નથી. આ તો ભ્રામક માન્યતા જ છે. ખરી રીતે પોતે બિલકુલ બગડ્યો જ નથી.
આત્માના ગુણને લઈને પોતે કલ્પે તેવો થઈ જાય છે. ખરેખર બનતું નથી એવું. આત્મા તો આત્મા જ રહે છે પણ અસર થાય છે, એવી રોંગ બિલીફો બેસી જાય છે.
42