________________
૩૧૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
દાદાશ્રી : પેલું બહારનું ચોખ્ખું કરીને અંદર જવાનું હતું. તે બહારનું ચોખ્ખું થાય નહીં ને દહાડો વળે નહીં. એથી તો અનંત અવતાર ભટક ભટક કરે. આ અંદરથી ચોખ્ખું કરીને બહાર આવવાનું છે. તે સહેલું, તે એની મેળે જ ચોખ્ખું થયા કરે બહાર. તમારે કશું કરવું ના પડે, એની મેળે જ થયા કરે. આત્મા પોતાના સ્વભાવમાં, જ્ઞાતા-દ્રષ્ટામાં આવે એ ખરું ચારિત્ર. એ ચારિત્ર વિના મોક્ષ નથી. આત્મા જ્ઞાતા-દ્રષ્ટા છે, તમે જ્ઞાતાદ્રષ્ટામાં રહો એ જ ચારિત્ર અને તે જ મોક્ષનું ખરું કારણ, મોક્ષ એટલે સર્વ દુઃખોની મુક્તિનું કારણ એ અને પછી છેલ્લો મોક્ષ. એ થયા વગર નિર્વાણ થાય નહીં. નિર્વાણ એટલે આત્યંતિક મુક્તિ.
નિર્વાણ એટલે આત્યંતિક મુક્તિ પ્રશ્નકર્તા મોક્ષ પછી માણસ નિર્વાણમાં જાય ?
દાદાશ્રી : ના, નિર્વાણ એટલે જ મોક્ષ. નિર્વાણ એટલે આ બધું જે આવરણથી ઊભું થઈ થયેલું, તે બધું બંધ થઈ ગયું.
પ્રશ્નકર્તા ઃ નિર્વાણ એ દરેકમાં આવે છે. વૈષ્ણવોમાંય આવે છે, બીજામાંય આવે છે, બુદ્ધોમાંય આવે છે, જૈનોમાંય આવે છે. નિર્વાણ શબ્દ એ વિશે કંઈક વિશેષ સમજાવો.
દાદાશ્રી : નિર્વાણ એટલે શું કે જેને કોઈ પણ જાતના ફરી કર્મ બંધાવાના નહીં. બધું કમ્પ્લીટ (પૂર્ણ) થઈ ગયું. આત્મા ને દેહ જુદા થઈ ગયા ને આત્મા પોતાના સિદ્ધક્ષેત્રમાં જાય છે ત્યારે એ છેલ્લા દેહને નિર્વાણ કહેવાય. પણ આપણા લોકો તો ગમે તેને નિર્વાણ લખી નાખે છે ને, નિર્વાણ પામી ગયા !
નિર્વાણ ફક્ત મોક્ષમાર્ગ જેને પ્રાપ્ત થયેલો હોય, મોક્ષ વિના નિર્વાણ ના કહેવાય. (ગમે તેને) નિર્વાણ કહે એ એમની જવાબદારી પર કહે છે અગર ભાષાનો અનર્થ કરે. ચારિત્ર વિના મોક્ષ નથી. ચારિત્ર આવે જ, એટલે મોક્ષ થાય. મોક્ષ એટલે સર્વ દુઃખોથી મુક્તિ થાય અને સર્વ દુઃખોથી મુક્તિ થાય એટલે નિર્વાણ થાય. એટલે આત્યંતિક મુક્તિ થાય. નિર્વાણ (બીજા) કોઈને બોલવાનો અધિકાર નથી.