________________
[૧૮] મોક્ષ
૩૧૧
ક્રમિક વિજ્ઞાનમાં વ્યવહાર ચારિત્ર હોય તો જ નિશ્ચય ચારિત્ર પ્રાપ્ત થાય. હવે ત્યાં વ્યવહાર ચારિત્ર કરતા કરતા તો, એના સાંધા તો તૂટી જાય પણ આ કેટલાય અવતારો ભટકી જાય !
પ્રશ્નકર્તા : પણ આપણે એની જરૂર નહીંને ! આપણે વ્યવહાર ચારિત્રને મેળવીને પછી જ પેણે જવાય એવું નહીંને?
દાદાશ્રી : ના, આ અક્રમ છે માટે જરૂર નહીં. નહીં તો પેલું સાંધા જ તૂટી જાય. એ બે વિષયોની સ્પર્શ-સ્વાદ વૃત્તિઓ બંધ કરવી એ તો કંઈ સહેલી વાત છે, આ લોકો ક્રમિકમાં માર ખાઈ, ખઈને મરી ગયા તોય નહીં ઠેકાણું પડતુંને ! અને આ તો અક્રમ વિજ્ઞાન છે ! શોધખોળ છે એક જાતની. જ્ઞાન તેનું તે જ પણ શોધખોળ છે હાઈ (ઊંચી).
પ્રશ્નકર્તા: અક્રમમાં જઈએ છીએને, એટલે પહેલું આત્મા ટચ થઈ જાય. પછી વ્યવહાર એની મેળે જ શુદ્ધ થવા માંડે, આપોઆપ શુદ્ધ થવા માંડે છે.
દાદાશ્રી : એ અક્રમ જ્ઞાનની બલિહારી છે, બાકી ના હોઈ શકે. પેલું ટચ થાય જ નહીંને ! પેલું ટચ થવા માટે તો અનંત અવતારો ભટક ભટક કરે તોય કશું વળે એવું નથી. આ તો કંઈક મહાન ગાઢ પુણ્ય, તે તમને આ પ્રાપ્ત થયું ને તમને પોતાને એમ લાગ્યું કે આપણે ક્યાં આગળ ઊભા છીએ. અગાધ ઊંચાઈની જગ્યાએ પહોંચ્યા છીએ એવું પોતાને સમજાય અને સર્વ દુઃખોથી મુક્તિ થયા કરતી હોય તે સમજાતું જાય. દુઃખ ઓછા થતા જાય. અને પેલા તો વધ્યા જ કરે. આ પાંચ વિષયોમાંથી વૃત્તિઓ પાછી વાળવી એ તો બહુ મુશ્કેલી. એક વિષયમાંથી પાછી વાળવી મુશ્કેલ છે તો. કાનમાં પાછી વળે, નાકમાં પાછી વળે પણ આંખમાં? ત્યારે જીભમાં ?
પ્રશ્નકર્તા: પણ એમ નથી દાદા, પહેલા, સમજ્યા વગરનું બધામાં રસ લેતો હતો. હવે એ પોતાને ખ્યાલ છે કે મારે ને આને કાંઈ સંબંધ નથી, પોતે જ્ઞાતા-દ્રષ્ટા છે. પેલું ટચ થઈ ગયું છે. એટલે આ એની મેળે એમાંથી રસ ઓછો થતો જાય.