________________
૨૯૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
દાદાશ્રી : ના, એનો પુરુષાર્થ નથી. પુદ્ગલનો મૂળ, સ્વભાવ છે અધોગામી અને આમાંથી એ ઊર્ધ્વગામી થાય છે, તે જ આત્માનો પુરુષાર્થ
પ્રશ્નકર્તા : આત્મા ઊર્ધ્વગામી સ્વભાવથી જ છે, તો પછી કંઈ પણ કરવાનું જ ક્યાં રહ્યું ? જ્યારે-ત્યારે મોક્ષે જશે જ ને ?
દાદાશ્રી : આત્મા સ્વભાવથી ઊર્ધ્વગતિવાળો છે, પણ પોતે કર્તા માને છે ને પુદ્ગલમાં ટેસ્ટ (સ્વાદ) આવે છે તે નીચે ખેંચાય. આત્મા પોતે પોતાની સ્વાભાવિક શક્તિથી મોક્ષે જાય, પણ પોતાનું સ્વરૂપ ના જાણે ત્યાં સુધી વિભાવિક શક્તિ જ હોય.
ડખલ ના હોય તો આત્મા મોક્ષે જાય સ્વભાવથી
પ્રશ્નકર્તા : પણ આત્માનો તો સહજ સ્વભાવ છે ને ? તો પછી શ્રેયની સાધના શા માટે કરવી પડે ?
દાદાશ્રી : આત્માને શ્રેય નથી ને પ્રેમ પણ નથી. આત્મા નિરંતર ઊર્ધ્વગામી સ્વભાવમાં છે. એટલે સ્વભાવથી જ મોક્ષે જાય એવો છે. ‘તમે જો કશી ડખલ ના કરનાર હો તો “આત્મા’ સ્વભાવથી જ મોક્ષે જાય એવો છે. એમાં ‘તમારે કશું કરવું પડે એવું નથી.
આત્મા સ્વભાવે ઊર્ધ્વગામી છે. ઊર્ધ્વગામી એટલે કેવું? એક તુંબડું હોયને દૂધિયાનું, એની પર ત્રણ-ત્રણ ઈંચ જાડું સાકરનું કોટિંગ કર્યું હોય અને પછી ત્યાં દરિયામાં નાખ્યું હોય એટલે પહેલા વજનથી ડૂબી જાય. સાકરનું કોટિંગ ચઢાવ્યુંને, એટલે કોટિંગનું પાણી કરતાં વજન વધારે છે માટે ડૂબી જાય. પણ પછી જેમ જેમ સાકર ઓગળતી જાય, ધીમે ધીમે ધીમે ઓગળતી જાય, સાકર તો ઓગળ્યા વગર રહે જ નહીંને મહીં ? અને એકદમ ઓગળી જાય નહીં. તેમ ધીમે ધીમે ધીમે ઊંચું થતું જ જાય.
એવી રીતે આ બધા પરિણામો ઓગળ્યા જ કરે છે આપણા, નિરંતર ઓગળ્યા જ કરે છે અને ધીમે ધીમે ઊંચે જ ચઢે છે. પણ ત્યારે હોરો આપણે કંઈ ડખલ કરીએ છીએ, તે પાછું નવું ઊભું થાય છે.