________________
[૧૭] ઊર્ધ્વગામી
૨૮૯
મોક્ષ સ્વભાવી જ છે, એટલે આ ઊર્ધ્વગામી સ્વભાવનો છે. અને પુદ્ગલ જેટલું વળગે છે એટલે એને નીચે ખેંચે છે. પણ છેવટે આત્મા જીતે છે. આત્મા જીતીને મોક્ષ પ્રાપ્તિ કરી લે છે. એટલે આત્મતત્ત્વનું પુદ્ગલ સાથે આવી રીતે બંધન થયું છે.
અધોગામી પુગલ વળગણાએ સપડાયો પ્રશ્નકર્તા : તમે જે કહ્યું કે ચેતન મોક્ષ તરફ જાય અને ચેતનને એટલો તો ખ્યાલ છે ને કે મારે અહીં જવાનું છે ?
દાદાશ્રી : ના, એવું નહીં. એવું તેવું છે જ નહીં આ. એને તો આ રસ્તે જતા વળગણ છે. એને જે આ વળગ્યું છે વળગણ, તે અધોગામી સ્વભાવનું છે, તે એને ખેંચ ખેંચ કરે છે અધોગામી. આ ચેતન ઊર્ધ્વગામીમાં છે. જે વખતે આનું જોર વધે ત્યારે ઉપર લઈ જાય, અને એનું જોર વધે ત્યારે પેલી બાજુ લઈ જાય.
તે વળગણ છૂટતું જાય છે, એવો ફેરફાર થતો જાય છે અને પોતે ઊર્ધ્વમાં જાય છે. હવે અધોગામી જવું એનો સ્વભાવ નથી. આત્માનો સ્વભાવ છે કે ઊર્ધ્વગમનમાં જવું, મોક્ષે જવું.
અનંત આત્માઓ આ રીતે સપડાયા છે, સંયોગમાં. એ મોક્ષમાં જવા પોતાના સ્વભાવમાં આવવા પ્રયત્ન કરે છે, પણ પેલું આવવા નથી દેતું. આ જે અનાત્મા છે ને, પહેલેથી આનો આ છે.
પુદ્ગલ વજનદાર એટલે લઈ જાય અધોગતિએ
પ્રશ્નકર્તા: આત્માની ઊર્ધ્વગતિ છે અને પુદ્ગલ અધોગતિ છે એવું કેમ છે ?
દાદાશ્રી : આત્માનો સ્વભાવ જ ઊર્ધ્વ છે. ઊર્ધ્વગામી સ્વભાવનો જ છે પોતે અને પુદ્ગલ અધોગામી સ્વભાવનું છે, વજનદાર છે. એટલે પુદ્ગલ એને અધોગતિમાં લઈ જાય છે.
પ્રશ્નકર્તા એટલે એમ કહેવાય કે અધોગતિ એ પ્રાકૃતિક ગુણ છે?