________________
ભગવાન મહાવીર જગત જીત થયા, કોઈથી હાર્યા નહીં. કારણ કે પોતે આત્મારૂપ થયા. અને તો જ જગત જીતાય, નહીં તો ના જ જીતાય.
દુનિયાની કોઈ ચીજ, બૉમ્બ પણ એને કશું ના કરી શકે એવો અવ્યાબાધ સ્વરૂપી આત્મા છે. જો પોતે એવો આત્મા જો પોતે થયો, તો પછી ભય શાને માટે ?
કોઈ કહેશે, “હું તમને મારી નાખીશ.” એવી જગ્યાએ એને ભાન હાજર થાય કે હું તો અવ્યાબાધ સ્વરૂપી છું, મને કોઈ મારી શકે નહીં.” તો પોતાને કશું થાય નહીં. એટલે પહેલેથી જ પોતાના સ્વગુણોનો અભ્યાસ કરી રાખવો જોઈએ.
ખરી રીતે શુદ્ધાત્મા પોતે એવો છે કે કોઈ એને દુઃખ ના દઈ શકે અને એ કોઈને દુઃખ ના દઈ શકે. એ પોતાનું પદ સત્સંગમાં બેસી બેસીને સમજી લેવાનું છે.
સામાનું સ્વરૂપ પણ એવું છે કે એને દુઃખ ક્યારેય થાય નહીં અને સામો પણ આપણને દુઃખ દઈ શકે નહીં. મને એવો અનુભવ થયો છે કે પછી “મારાથી સામાને દુઃખ થશે” એવી શંકા જ ના રહે. છતાં કચાશને લીધે મારાથી સામાને દુઃખ થાય છે એવી શંકા થાય તો પોતે ચંદુભાઈ પાસે પોતે પ્રતિક્રમણ કરાવવું. અને પોતાનું સ્વરૂપ તો શુદ્ધાત્મા, અવ્યાબાધ, તે પદમાં રહીને કામ કર્યા કરવું.
દુઃખ પોતાને ટચ થાય તો સુખ થઈ જાય એવો પોતે અનંત સુખનું ધામ છે. સળગતો કોલસો બરફના ઢગલા પર નાખે તો ? કોલસો ટાઢો પડી જાય !
આ દેહમાં તો કોઈ ગોદો મારે તો લોહી નીકળે, દાઢ દુઃખે, પગ ફાટે, કાન દુઃખે, આંખ દુ:ખે. આમ કેટલીય ઉપાધિનું સંગ્રહસ્થાન છે આ મન-વચન-કાયા. બહારના સંગ્રહસ્થાન કરતા અંદરનું સંગ્રહસ્થાન મોટું છે, એને જોવા જેવું છે.
અનંત અવ્યાબાધ સુખનો એક અનન્ય ઉપાય સ્વરૂપસ્થ થવું એમ જ્ઞાનીઓએ કહ્યું છે પણ તે ક્રમિક માર્ગ અને અક્રમ માર્ગમાં તો પોતે આત્મા થઈ જ ગયો છે, અનુભવથી.
36