________________
૨૪૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
દાદાશ્રી : ના, વ્યવહારમાં અસંખ્યાત પ્રદેશી ગણાય અને મૂળ આત્મા અનંત પ્રદેશ છે.
પ્રશ્નકર્તા : અનંત પ્રદેશી, પણ આમ પાછું એક પ્રદેશો ને ?
દાદાશ્રી : એક પ્રદેશી ના બોલાય. અનંત પ્રદેશી કહેવાનો ભાવાર્થ શું ? કે અનંત જીવો છે આ જગતમાં. જેટલા જીવ છે, એ જીવ માત્રને જે જ્ઞાન છે, એટલું જ્ઞાન એક આત્મામાં છે. પણ તે અનંત પ્રદેશ છે. એક પ્રદેશ ખુલે, તેટલું જ્ઞાન પ્રગટ થાય.
જે પ્રદેશ નિરાવરણ થયો તે જ્ઞાન ફૂટ્યું, કારણ કે આત્મા અનંત જ્ઞાની છે. આત્મા અનંત પ્રદેશીય છે. તેમાં જુદા જુદા અનંત જ્ઞાન છે. તે બધાનાય ભેગા કરે તોય તેને પહોંચાય નહીં અને પાર ના આવે એવું અનંત પ્રદેશીય જ્ઞાન છે.
પ્રદેશ-પ્રદેશે અનંત સુખ-શક્તિ, બેભાનતાથી આવરાઈ સિદ્ધોને દરેકે દરેક પ્રદેશ ખુલ્લા હોય તે પ્રદેશોથી દરેક શેયને જુએ જાણે.
‘પોતાના પ્રદેશમાં “જોવા-જાણવાપણું જ છે, બીજું કશું જ નથી. એ જ પરમાત્મપણું છે ! “જોવા-જાણવાપણાથી આગળ ગયા એટલે મુશ્કેલી ! આ તો જાણવા-જોવાથી આગળ નીકળવા ગયા. બીજું પારકા પ્રદેશનું છે, પોતાના પ્રદેશમાં આવું છે જ નહીં. પોતાના પ્રદેશમાં દુ:ખ જ નથી કોઈ જાતનું. બેભાનપણું નથી, કશું જ નથી, પરમાત્માપણું છે.
પ્રશ્નકર્તા: બેભાનપણે વિશે વધારે સમજાવશો ?
દાદાશ્રી: પોતાની પાસે અનંત શક્તિઓ છે પણ બેભાનતાથી બધી શક્તિ આવરાઈ ગઈ છે. પોતે અનંત સુખનું ધામ છે. પ્રદેશ પ્રદેશે પોતે સુખનું ધામ છે, પણ ક્યાં ગયું એ સુખ ? આત્માના પ્રદેશ પ્રદેશ પાછા એકાકાર, જેમ બટાકામાં અનંત-અનંત જીવ હોય તેમ આત્મામાં પ્રદેશ પ્રદેશમાં એકાકાર. દરેક પ્રદેશ જોઈ શકે, જાણી શકે. દરેક પ્રદેશે આનંદ છે. આ જ્ઞાન મળ્યા પછી જેમ જેમ પ્રદેશો નિરાવરણ થતા જાય, તેમ તેમ આનંદ વધતો જાય એવું વીતરાગ વિજ્ઞાન છે.