________________
[૧૪] અરીસા જેવું સ્વરૂપ
૨૪૫
દાદાશ્રી : આત્મા એવી પ્રકાશક વસ્તુ છે કે એની અંદર એનું એકલાનું નહીં પણ આખા જગતનું પ્રતિબિંબ પડે, પ્રતિભાસે. એટલે પોતાના મનમાં એમ થાય કે આ શું છે બધું ? કોણ કરે છે આ બધું ? એવી ગભરામણ થાય.
આત્મા દર્પણ જેવો છે, મહીં બધા જ પ્રતિબિંબ પડે. તે દેખીને ગભરાય છે કે આ કોણ કરે છે ? “મેં કર્યું એમ ભ્રાંતિ થઈ જાય છે.
આ જગત પોતાની અંદર દેખાય છે તે ઉપાધિ છે, તેનાથી જગત ઊભું થયું છે.
આત્મા વ્યવહારમાં આવ્યો છે, તે જગત તેના પ્રકાશમાં ઝળકે છે. લોકો બિંબ ને પ્રતિબિંબને સમજ્યા જ નથી, ઊંધું જ સમજ્યા છે. જો જગત બધું જ ચૈતન્યમય હોય તો પછી ઉપાધિ ક્યાંથી ?
આત્માના પ્રકાશમાં આખું જગત ઝળકે છે તે નિરુપાધિવાળા ભગવાન કહે છે કે આ શું છે ? એટલે પોતે દ્રષ્ટા હતો તે દૃશ્ય થઈ ગયો.
આત્માની બાબતમાં ‘આ’ સમજાવું એ બહુ મોટી વસ્તુ છે ને જ્ઞાની વગર સમજાય તેમ નથી, પણ તે નિમિત્તનું ઠેકાણું પડે તેમ જ નથી. આખું જગત તેથી મૂંઝાયું છે.
આ અરીસાને પોતાને આ બધું જગત દેખાતું હોય, તે અરીસો પોતે જોનાર હોય, તો તેને કેટલી બધી ઉપાધિ થઈ જાય ? તેમ આ ચૈતન્ય પોતે જોનાર છે. જ્યારથી એ જાણે છે કે આ મારા સ્વભાવને લઈને આ બધી વસ્તુઓ પ્રકાશમાન થાય છે ને વસ્તુઓ તો બહાર જ છે, ત્યારથી પોતાનું સુખ ચાખે છે ને ઉપાધિઓ છૂટી જાય છે ! પછી આત્માનું સુખ જતું નથી.