________________
૨૪૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
પ્રશ્નકર્તા : પાંચ લાખ પ્રતિબિંબ પડવા માટે પ્રત્યેક ઘડો કામ કરે છે, જુદા જુદા ઘડા કામ કરે છે, તો આપણા આમાં શું કામ કરે છે ? કોણ કામ કરે છે ?
દાદાશ્રી : એ જુદા, એક થઈ જાય એટલે એક જ દેખાય પાછું.
પ્રશ્નકર્તા : હા, પણ આમાં કોણ કામ કરે છે ? પાંચ લાખ ઘડા એ દરેક ઘડો જુદું જુદું પ્રતિબિંબ ઝીલે છે, એવી રીતે આપણા આની અંદર કોણ એવું છે વચ્ચે ?
દાદાશ્રી : આ ભાજનો. બધામાં આત્મા છે તે જુદું જુદું દેખાય છે ને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એક જ છે બધી વસ્તુઓ નિશ્ચયથી, પણ વ્યવહારથી જુદા જુદા છે. ભાજન છે ત્યાં સુધી આત્મા જુદા જુદા છે, પરમાત્મારૂપે એક છે.
પ્રતિબિંબ સામેવાળાનું, આપણે માનવું પરભાર્યું
આત્માનો સ્વભાવ કેવો છે ? દરેક વસ્તુ મહીં દેખાય, જેમ આયનામાં દેખાય તેવી રીતે. કોઈ બે-ચાર જણ આવ્યા હોય, તેમાં કોઈ માની હોય તોય તેનો ફોટો મહીં પડે. ત્યારે આપણને એમ લાગે આ માન અમારામાં નહોતું ને આવ્યું ક્યાંથી ?
આપણે અહીં બેઠા હોઈએ ને કોઈક આવે તો તેના લોભના-માનના પરમાણુની અસર પડે. જો આપણામાં હોય તો તે પહેલેથી ના દેખાય?
કોઈ માણસને આપણે ન ગમતા હોય તો તે માણસ આપણને ભેગો થાય ત્યારે આપણી પરિણતિ બગડે, તે તો સામેવાળાને તાંતો છે તેથી તેની છાપ આપણને પડે છે. એ બધો પરભાર્યો માલ છે, આપણે જોયું અને જાણવું. આત્માની ઉપર પ્રતિબિંબ પડે, સામેવાળાનું.
પ્રતિબિંબતા પ્રતિભાસે ઊભી ભ્રાંતિ પ્રશ્નકર્તા: સામેવાળાનું પ્રતિબિંબ પડે એ વિશે વધારે સમજાવશો.