________________
[૧૦] અગોચર - અતીન્દ્રિયગમ્ય
આત્મા અગોચર, અતીન્દ્રિય પ્રત્યક્ષ પ્રશ્નકર્તા ઃ સિદ્ધ સ્થિતિની ભજના કરવી હોય તો કેવી રીતે
થાય ?
દાદાશ્રી : આત્મા અગોચર છે, એટલે એના ગુણો થકી જ (ભજના) થાય. એ કંઈ દૃષ્ટિગમ્ય નથી કે ઈન્દ્રિયગમ્ય નથી, એ તો અગોચર છે. છતાંય એક માણસે બહુ કહ્યું કે અગોચર હોય પણ એવું કંઈક સમજાવો કે અમને કંઈક સમજ્યા એમ લાગે. ત્યારે મેં કહ્યું, શી રીતે સમજાવું તને ? આકાશ જોડે સરખાવી સમજાવું તને. આકાશ કંઈ દેખાય ખરું? આકાશમાં ચીજવસ્તુઓ દેખાય, પણ આકાશ ના દેખાયને આંખથી ? એટલે આકાશ જેવું અગોચર. આ આકાશ છે એને કંઈ પણ તમે કરો, ગમે એવું કરો તોય આકાશને નુકસાન થાય ખરું ? એવો આત્મા છે.
પ્રશ્નકર્તા એ વાણીથી, કર્મથી, મનથી ગોચર નથી ?
દાદાશ્રી નહીં, એ ગોચર નથી, અગોચર છે. ગોચર હોત તો તો ઈન્દ્રિયો ચરી ખાત એને હલે. ગોચર, ગો એટલે ઈન્દ્રિયો ને ચર એટલે ચરવું. લોકો તો ઈન્દ્રિયથી જે દેખાય તેને ગોચર કહે અને ઈન્દ્રિયથી ના દેખાય તેને અગોચર કહે. કાન ચરે તેય અગોચર માને, પણ જેને નિરિન્દ્રિય આહાર છે તે અગોચર કહેવાય.