________________
નિર્વિકલ્પ જ્ઞાન છે આ. એટલે “હું કેવળજ્ઞાન સ્વરૂપ છું એમ બોલવામાં વાંધો નથી. એવું દહાડામાં પાંચ-દસ વખત બોલવું અને પોતાને કેવળજ્ઞાન સ્વરૂપથી ઘણી વખત જોવું.
એ કેવળજ્ઞાન સ્વરૂપ પોતાનું પોતે કેવી રીતે દેખી શકે ? એ પોતાનું કેવળજ્ઞાન સ્વરૂપ, આખા દેહમાં આકાશ જેટલો જ ભાગ પોતાનો દેખાય. આકાશ જ દેખાય, બીજું કશી મૂર્ત વસ્તુ એમાં ના હોય. એવું પોતાની જાતને અમૂર્ત સ્વરૂપે આ દેહમાં જોવી. આમ જ્ઞાની પુરુષના દેખાડેલા પ્રમાણે અભ્યાસ થતો જાય, પોતે તે રૂપ થતો જાય. એટલે પોતાની શુદ્ધ દશા થઈ ગઈ.
માથે અંગારો સળગે એવા ઉપસર્ગ આવે તો પોતે કેવળજ્ઞાન સ્વરૂપના ભાનમાં આવી જાય. જેમ કે ગજસુકુમારને સસરાએ માથે અંગારા મૂકી સગડી સળગાવેલી. પણ ગજસુકુમારને ત્યારના પ્રત્યક્ષ તીર્થકર શ્રી નેમીનાથ ભગવાનની કૃપા ઉતરેલી. ભગવાનને ખબર હતી કે ગજસુકુમારને આવો ઉપસગવવાનો છે, તેથી તેમણે સમજાવેલું કે મોટો ઉપસર્ગ આવે ત્યારે “હું શુદ્ધાત્મા છું' બોલવાને બદલે સૂક્ષ્મ સ્વરૂપમાં જતા રહેજો. એ સ્વરૂપ ફક્ત કેવળજ્ઞાન સ્વરૂપ જ છે. એ આકાશ જેવું સૂક્ષ્મ છે. અગ્નિ બાળી ના શકે, ગમે તેમ મારો-કાપો તોયે પોતાના કેવળજ્ઞાન સ્વરૂપને કંઈ જ અસર નહીં થાય. ગજસુકુમાર એ જાગૃતિમાં રહ્યા, માથે અંગારા મૂકાયા ત્યારે. આ દેહ તે હું નહીં, મન તે હું નહીં, સળગે તે હું નહોય, વેદના તે હું નહીં, કોઈ ચીજ હું નહોય. હું તો કેવળજ્ઞાન સ્વરૂપ છું.. અને ખોપરી ફાટી, પણ પોતે જ્ઞાનની શ્રેણી ચઢતા ચઢતા કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા.
દાદાશ્રી કહે છે, જે જ્ઞાન નેમિનાથ ભગવાને ગજસુકુમારને આપ્યું હતું તે જ જ્ઞાન અમને છે, પોતાના મૂળ સ્વરૂપનું જ્ઞાન, નિરાલંબ આત્માનું. તીર્થકરો પાસે એ જ આત્મા હતો. આ કાળમાં એ કોઈને પ્રાપ્ત ના થાય એવો છે. છતાં આ જ્ઞાન મળ્યા પછી પોતે શુદ્ધાત્મા પદમાં આવ્યો અને એથી આગળ વધ્યો તો બહુ થઈ ગયું. એ શબ્દનું અવલંબન છે, એથી આગળ કેવળજ્ઞાન સ્વરૂપ એ નિરાલંબ છે એટલું સમજાય તોય પણ સારું.
મહાત્માઓને આ જ્ઞાન મળ્યા પછી પાંચ આજ્ઞા પાળવાની છે. એ જેટલી પળાય તેટલા કેવળજ્ઞાન સ્વરૂપ થવાય. આજ્ઞાનું ફળ પેલું પદ આવશે.
22