________________
ઉપોદ્ઘાત [૧] આત્માનું સ્વરૂપ
[૧૧] કેવળજ્ઞાત સ્વરૂપ આત્મા પોતે કેવળજ્ઞાન સ્વરૂપ છે. આ દેહ એ સ્થૂળ સ્વરૂપ છે, મહીં અંત:કરણ ને કષાયો એ સૂક્ષ્મ સ્વરૂપ છે અને એથી આગળ આત્મા છે એ કેવળજ્ઞાન સ્વરૂપ છે. એટલે પ્રકાશ સ્વરૂપ જ છે, પ્રકાશમય જ છે.
આ તો જેમ જેમ સંજોગ ભેગા થતા ગયા અને સ્વરૂપની અજ્ઞાનતાને લીધે, પોતે માનતો ગયો કે હું મનુષ્ય છું, પતિ છું, પેસેન્જર છું એમ બંધનમાં આવતો ગયો.
પોતાને પોતાનું ભાન થાય એટલે સમકિત થાય. પછી સંસારના લફરા છૂટતા જાય તેમ કેવળજ્ઞાન તરફ પોતે જાય. અંતે પોતે પરમાત્મા થાય.
પોતે જ્ઞાન સિવાય કશું જ નથી. પોતે કાયમ દરઅસલ સ્થિતિમાં એટલે કેવળજ્ઞાન સ્વરૂપ જ મહીં છે.
બીજા કોઈ તત્ત્વોમાં આ કેવળજ્ઞાન સ્વરૂપ નથી. બધા તત્ત્વો નિર્લેપ છે, અસંગ છે, અવિનાશી છે, અગુરુ-લઘુ છે પણ કેવળજ્ઞાન સ્વરૂપ આત્મા એકલાને લાગુ થાય ને તે આપણે પોતે જ છીએ. “હું કેવળજ્ઞાન સ્વરૂપ છું' કહીએ એટલે આપણે આત્મા થઈ ગયા.
જ્ઞાતા-દ્રષ્ટા અને કેવળજ્ઞાન સ્વરૂપ આ બે આત્માને જ લાગુ થાય. કેવળજ્ઞાન સ્વરૂપ અને જ્ઞાતા-દ્રષ્ટા એમાં કોઈ ફેરફાર ના થાય. કારણ કે આત્મા જ્ઞાયક સ્વભાવનો છે અને આનંદ સ્વરૂપ છે. આ ગુણ બીજા કોઈ તત્ત્વમાં નથી.
જ્ઞાન એ જ આત્મા છે, એ જ કેવળજ્ઞાન સ્વરૂપ છે, એબ્સૉલ્યુટ સ્થિતિ છે. પોતાના સ્વરૂપની સુક્ષ્મતા એવી છે કે હિમાલયની આરપાર નીકળી જાય. એ સ્વરૂપ જાણે પછી શું આવરણ આવે ?
આત્મા સૂક્ષ્મ છે, જ્યારે આ પાંચ ઈન્દ્રિયોના વિષયો સ્થૂળ છે. આત્માએ ક્યારેય વિષય ભોગવ્યો જ નથી.