________________
[૫.૨] અબાધ્ય સ્વરૂપ
‘જે દ્રષ્ટા છે દૃષ્ટિનો, જે જાણે છે રૂપ. અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ.’
৩৩
-શ્રીમદ્ રાજચંદ્ર
કૃપાળુદેવે પછી એવું કહ્યું કે જેને બાદ કરતા કરતા બાકી રહે, તે અબાધ્ય. હાથ નહીં, પગ નહીં, એમ બાદ કરતા કરતા જે બાકી રહે એ અબાધ્ય એમ કહ્યું.
અજ્ઞાતતામાં પણ અબાધ્ય, તે આત્માનુભવ
પ્રશ્નકર્તા : અબાધ્યનો પોતાનો જે અનુભવ થાય એ પોતાના સ્વરૂપમાં આવે ?
દાદાશ્રી : ના, એ સ્પષ્ટ સ્વરૂપમાં તો આવે નહીં. પણ અબાધ્ય અનુભવ થાય એને અને એ આત્માનો અનુભવ છે. અબાધ્ય અનુભવ એટલે ધણી તો મરી ગયો, પછી જે રો-કકળાટ ચાલ્યા, તોફાન-તોફાનતોફાન. આમ છે ને પછી રાત્રે જરાક કળ વળે, એને ઠંડક લાગે. તે ઘડીએ એની ખોટ વધી કે ઘટી ? ખોટ તો હતી જ. તે અબાધ્ય અનુભવ, જીવમાત્ર તેથી જીવી શકેને ! અબાધ્ય અનુભવ ના હોયને, તો જીવી ના શકે. આ તો મને નાનપણથી સમજાઈ ગયેલું, અબાધ્યના અનુભવનું.
પ્રશ્નકર્તા : આપણને કોઈ બંધન નડે નહીં, એ મુક્ત થઈ જઈએ. પોતાના સ્વરૂપને જાણે અબાધ્યસ્વરૂપ એમ હું સમજતો'તો.
દાદાશ્રી : ના, એવું નહીં. અબાધ્ય એટલે બાધા-પીડા રહિતનો અનુભવ થઈ જાય મહીં. ગમે એટલી ખોટ ગઈ હોય ને કે ગમે તેવું થયું હોય, દુઃખ પડ્યું હોય પણ પોતાને અબાધ્ય અનુભવ થાય. એટલે જીવ અહીં તેથી જીવતો રહે છે. દરેક જીવને આ અવશ્ય થાય જ. આ ક્યાંથી આવે છે ? મેં તપાસ કરી, એ ક્યાંથી આવ્યું સુખ અત્યારે ? દુઃખમાં આવ્યું કેવી રીતે ? એ આત્માનું છે.
પ્રશ્નકર્તા : એ અંદર હતું જ.
દાદાશ્રી : હતું જ એ, એ આત્માનું અબાધ્ય સ્વરૂપ.