________________
[૫.૨] અબાધ્ય સ્વરૂપ
બાધા-પીડામાંય છેવટે ઠંડક થાય એ અબાધ્ય અનુભવ
પ્રશ્નકર્તા : આત્માનું અબાધ્ય સ્વરૂપ સમજાવવો.
દાદાશ્રી : માણસને ગમે એટલા દુઃખમાંયે છેવટે અબાધ્ય અનુભવ થાય છે, પ્રત્યેક જીવને. તેથી તો જીવી શકે છે. ગમે તેટલા દુ:ખ આવ્યા હોય, પણ રાત્રે મહીં કળ વળે ને સૂઈ જાય પછી.
પ્રશ્નકર્તા ઃ હા, ઠરી જાય પછી. અબાધ્ય !
દાદાશ્રી : અલ્યા, દુ:ખ જતું રહ્યું ? દુઃખ તો એટલું ને એટલું જ છે, એ પોતે અબાધ્ય સ્વરૂપ છે.
આત્માનો અબાધ્ય સ્વભાવ અને મનનો ફ્રેક્ચર થવાનો સ્વભાવ. પાંચ કલાક ભયંકર દુ:ખ ભોગવ્યા હોય અને છઠ્ઠા કલાકે સુખ આવે તો આત્માનું અબાધ્ય સુખ ત્યાં ઊભું થાય.
અબાધ્ય એટલે કોઈ બાધા-પીડા ના કરે એવો અનુભવ. એવો રહે છે ને બધો ? એક ફેરો ખૂબ વાગી ગયા પછી ઠંડક થાય છે, શેનાથી ? શાથી થાય છે ? હાથ કપાઈ ગયો તે વખતે દુઃખ થયું, બધું થયું. પછી મહીં ઠંડક થાય છે તે શું ? આત્માનો ગુણ એથી, નહીં તો દુઃખ જ રહ્યા કરવું જોઈએ ને ?